Jai Hind

જામજોધપુરના પી.આઇ.એ બેફામ કાર ચલાવી ત્રણને હડફેટે લેતા બેના મોત

ગંભીર ઇજા પામેલા સાધુને સારવારમાં ખસેડાયા: પી.આઇ. સામે કાર્યવાહી હાથ ધરાઇ

જામનગર જીલ્લા ના જામજોધપુર નજીક ગાંધેશ્વર રેલવે ફાટક પાસે કેટલાક લોકો ઘાયલ બળદ ને ટ્રેક્ટર માં ચડાવવાની કામગીરી કરી રહ્યા હતા.ત્યારે પોલીસ ઇન્સ. એ પોતાની કાર બેદરકારી પૂર્વક ચલાવતા ત્રણ વ્યક્તિ ને હડફેટ લીધા હતા આ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના કરુણ મૃત્યુ નીપજ્યા હતા . જ્યારે એક સાધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. સમગ્ર ઘટનામાં જામજોધપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બેદરકારીથી વાહન હંકારવાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ તા. 23 જુલાઈની રાત્રે ગાંધેશ્વર રેલવે ફાટક નજીક એસ.ટી. બસની ટક્કરથી ઘાયલ થયેલા બળદ ને ટ્રેક્ટર માં ચડાવવા ની કામગીરી ચાલી રહી હતી. તે સમયે નુંધાભાઈ નાથાભાઈ ભોજાણી અને રોનકભાઈ અશોકભાઈ ખાંટ તેમજ સાધુ રામદાસ ઉર્ફે રમેશ મૈયારામ દેસાણી સહિત ના લોકો મદદ કરી રહ્યા હતા.
આ દરમિયાન રાત્રે આશરે 8:30 વાગ્યે જામજોધપુર તરફથી આવી રહેલી ક્રેટા કાર જીજે-11-સીએલ-2801 પુરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક રોડ પર ઉભેલા ત્રણેયને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં નુંધાભાઈ નાથાભાઈ ભોજાણી અને રોનકભાઈ અશોકભાઈ ખાંટ ને ગંભીર ઇજાઓ થતાં તેમને જામજોધપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સાધુ રામદાસ ઉર્ફે રમેશ મૈયારામ દેસાણી ને ગંભીર ઇજા ઓ થતાં તેમને વધુ સારવાર માટે જામનગર ની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવ બાદ ક્રેટા કારના ચાલક પોલીસ ઇન્સ્પેક્ટર એન બી ચૌહાણે ઇજાગ્રસ્ત સાધુ ને પોતાની કાર માં સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. જોકે સમગ્ર ઘટનામાં બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે વાહન હંકારવાના આક્ષેપ સાથે મૃતક નુંધાભાઈ ભોજાણી ના પુત્ર મહેશભાઈ નુંધાભાઈ ભોજાણી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈની પણ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી જરૂરી તપાસ તથા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ દુર્ઘટનાએ જામજોધપુર પંથકમાં ભારે અરેરાટી ફેલાવી છે. એક તરફ અકસ્માત બાદ ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવા ની કાર્યવાહી કરવામાં આવી હતી, તો બીજી તરફ હવે નોંધાયેલી ફરિયાદના આધારે જામજોધપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એન બી ચૌહાણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.