Jai Hind

ઉના-ગીરગઢડા પંથકના માલણ-રાવલ-શાહી નદીના ઘોડાપૂરે ગામડા તબાહ કર્યા!

પૂરમાં ઘરવખરી, પશુધન અને ખેતીની જમીનને ભારે નુકસાન, પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની કૃષિમંત્રીને રજૂઆત

તા. 4 અને 5 જુલાઈના રોજ ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદ બાદ માલણ, રાવલ અને શાહી નદીમાં આવેલા વિનાશક ઘોડાપૂરને કારણે ઉના તાલુકાના અનેક ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી. નદીના પટ અને કાંઠા વિસ્તારોમાં આવેલા ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું હતું, અનેક પરિવારોનું સ્થળાંતર કરવું પડ્યું હતું, પશુધનના મોત થયા હતા તેમજ નદી કાંઠાની ખેતીની જમીનોનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું હતું.
આ સમગ્ર પરિસ્થિતિ અંગે ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે તા. 21 જુલાઈ, 2026ના રોજ રાજ્ય ના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર પાઠવી અસર ગ્રસ્ત ગામોમાં તાત્કાલિક સર્વે કરાવી પૂરતું વળતર ચૂકવવા રજૂઆત કરી છે.
ગાંગડા ગામના પ્લોટ વિસ્તારમાં પૂરનું પાણી ઘૂસી જતાં અનેક પરિવારોનું સ્થળાંતર કરવું પડ્યું હતું. ઘરો માં પાણીનો પ્રવાહ ફરી વળતાં ઘરવખરીને ભારેનુકસાન થયું હતું. ગામના અન્ય વિસ્તારોમાં પણ ઘરોમાં પાણી ઘૂસતાં લોકોની ઘરવખરી પલળી અને બગડી ગઈ હતી. આ ઉપરાંત નાના-મોટા મળી કુલ 13 પશુઓના મોત થયાનું રજૂઆતમાં જણાવાયું છે. નદી કાંઠાની ખેતીની જમીનો માં પણ મોટા પ્રમાણમાં ધોવાણ થયું હતું.
માલણ અને રાવલ નદીમાં આવેલા પૂરના કારણે સનખડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું હતું. માલણ વિસ્તારના રહેણાંક વિસ્તારો પણ પાણીથી પ્રભાવિત થયા હતા અને એક પશુનું મોત થયું હતું. નદી કાંઠાની ખેતીની જમીનમાં પણ ભારે ધોવાણ થયું હતું.
પૂરના પાણીના કારણે ખત્રીવાડા ગામનો સંપર્ક તૂટી ગયો હતો. મોટા ગામ વિસ્તાર, નાના ગામ વિસ્તાર તેમજ પ્લોટ વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું હતું. નદી કાંઠાની જમીનોનું મોટા પ્રમાણમાં ધોવાણ થતાં ખેડૂતોને પણ ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું.
પૂરના કારણે થયેલા નુકસાન અંગે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે સરકારને અસરગ્રસ્ત ગામોમાંતાત્કાલિક સર્વે કરાવવા માંગ કરી છે. તેમણે ઘરવખરી, પશુધન, ખેતીની જમીનનું ધોવાણ અને અન્ય થયેલા નુકસાનનું વાસ્તવિક મૂલ્યાંકન કરી અસરગ્રસ્ત પરિવારો અને ખેડૂતોને પૂરતું વળતર મળે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. પૂરના દિવસો વીતી ગયા હોવા છતાં અસરગ્રસ્ત પરિવારો માટે નુકસાનની ભરપાઈનો પ્રશ્ન હજુ યથાવત છે. ત્યારે સરકાર દ્વારા ક્યારે અને કેટલા પ્રમાણમાં સર્વે હાથ ધરાશે તથા અસરગ્રસ્તોને વાસ્તવિક નુકસાન મુજબ વળતર મળશે કે કેમ તે અંગે હવે લોકોની નજર સરકાર તરફ મંડાઈ છે.તેવુ પુંજાભાઈ વંશ એ તેમની રજૂઆત મા જણાવ્યું છે