Jai Hind

કાલાવડના જસાપર ગામે પાંચમાં દિવસે ખેડૂત આંદોલન યથાવત

વીજપોલ, હાઇટેન્શન ટાવર ઉભા કરવાની કામગીરી સામે વિરોધ યોગ્ય વળતરની ઉગ્ર માંગ

કાલાવડના જસાપર ગામે વિજકંપનીના વીજપોલ અને હાઇટેન્શન ટાવર ઉભા કરવાની કામગીરી સામે સતત પાંચ દિવસથી ખેડુતો વિરોધ નોંધાવી રહ્યા છે.કાલાવડ તાલુકાના જસાપર ગામે ખેડૂતો દ્વારા ચાલી રહેલી સત્યાગ્રહ છાવણી આજે પાંચમા દિવસે પણ યથાવત રહી હતી. ખેડૂતોના ખેતરોમાં વીજ કંપની દ્વારા વીજ પોલ અને હાઈટેન્શન ટાવરો ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર અને પૂરતું ભાડું આપવામાં આવતું નથી. જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર અને ભાડું નહીં મળે ત્યાં સુધી આ લડત અવિરત ચાલુ રાખવાનો સંકલ્પ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
ખેડૂતો દ્વારા ટૂંક સમયમાં કાલાવડના મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ અંગે યોગ્ય રજૂઆત કરવામાં આવશે. સાથે જ સરકારને પણ અલ્ટિમેટમ પાઠવી ખેડૂતોની માંગણીઓનો વહેલી તકે હકારાત્મક ઉકેલ લાવવા અપીલ કરવામાં આવશે.
ખેડૂતોનું કહેવું છે કે તેમની માંગણીઓ સંતોષકારક રીતે સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં પણ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.