Jai Hind

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ ભૌતિકશાસ્ત્ર ભવનનાં 10 વિદ્યાર્થીની ફોરેન્સીક સાયન્સ લેબમાં પસંદગી

એક સમયે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ મુખ્યત્વે અધ્યાપન, સંશોધન અને ઔદ્યોગિક ક્ષેત્ર સુધી મર્યાદિત માનવામાં આવતો હતો, પરંતુ બદલાતા વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ યુગમાં તેના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના અનેક નવા દ્વાર ખુલ્યા છે. આધુનિક ફોરેન્સિક વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક સાધનો, પ્રયોગશાળા આધારિત વિશ્ર્લેષણ અને પુરાવાઓના ચોક્કસ મૂલ્યાંકનનું મહત્વ સતત વધી રહ્યું છે. પરિણામે ભૌતિકશાસ્ત્રના વિદ્યાર્થીઓ આજે ફોરેન્સિક વિજ્ઞાન જેવા આંતરવિષયક ક્ષેત્રોમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે અને વિવિધ વૈજ્ઞાનિક તથા તકનીકી હોદ્દાઓ પર સફળતાપૂર્વક સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છે. આ બદલાતા પરિપ્રેક્ષ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓએ રાજ્યની પ્રાદેશિક ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાઓ (છઋજક) માટે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં વિવિધ હોદ્દાઓ પર નોંધપાત્ર સફળતા મેળવી છે. વિભાગના વિદ્યાર્થીઓની સાયન્ટિફિક આસિસ્ટન્ટ (ફિઝિક્સ), આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ર્ચન્ડ ડોક્યુમેન્ટ્સ (અઊચઉ), સિનિયર એક્સપર્ટ (ફિંગરપ્રિન્ટ), સર્ચર (ફિંગરપ્રિન્ટ) તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ (ફિઝિક્સ) જેવી વિવિધ જગ્યાઓ માટે પસંદગી થઈ છે. સાયન્ટિફિક આસિસ્ટન્ટ (ફિઝિક્સ) તરીકે પાયલ જોષી, તિલક પંડ્યા, ઉદિત ત્રિવેદી અને ધૃતિ કાનાબાર, આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ર્ચન્ડ ડોક્યુમેન્ટ્સ (અઊચઉ) તરીકે વૈશાલી ચાંદેગરા અને ક્રિના રામાણી, સિનિયર એક્સપર્ટ (ફિંગરપ્રિન્ટ) તરીકે હેતલ ગોહિલ, સર્ચર (ફિંગરપ્રિન્ટ) તરીકે વશિષ્ઠ જાની તથા લેબોરેટરી આસિસ્ટન્ટ (ફિઝિક્સ) તરીકે ઊર્મિલા ખટાણાની પસંદગી થઈ છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ઉત્પલભાઈ જોશી, કુલ સચિવ શ્રી અજયસિંહ જાડેજા અને ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રોફ. નિકેશ એ. શાહે વિદ્યાર્થીઓની આ સિઘ્ધીને અભિનંદન પાઠવ્યા છે.