જેતપુર: નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર ખાતે દેશભરના વિદ્યાર્થીઓ દ્વારા લાંબા સમયથી ઉગ્ર આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. આ વિરોધ પ્રદર્શન અને જનઆક્રોશ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપતાં વિદ્યાર્થીઓ, યુવાનો અને કોંગ્રેસ પક્ષમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટનાને દેશના વિદ્યાર્થીઓ અને યુવાશક્તિની મોટી જીત ગણાવીને જેતપુર શહેર કોંગ્રેસ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જેતપુરના ઐતિહાસિક તીનબત્તી ચોક ખાતે કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો એકઠા થયા હતા. જ્યાં તેમણે આતિશબાજી કરી, ફટાકડા ફોડી તેમજ એકબીજાનું મોંમ મીઠું કરાવીને આ નિર્ણયને આવકાર્યો હતો. આ ઉજવણી પ્રસંગે વાતચીત કરતા કોંગ્રેસ આગેવાન નિલેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, “લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતો રમનારાઓની સામે આ સત્ય અને સંઘર્ષની જીત છે. વિદ્યાર્થીઓના સતત આંદોલન આગળ આખરે સરકાર અને શિક્ષણ મંત્રીએ ઝૂકવું પડ્યું છે.” આ સમગ્ર કાર્યક્રમમાં જેતપુરના સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.