વિરોધ પક્ષના આંદોલનની ચીમકી બાદ તંત્ર હરકતમાં આવ્યુ
બગસરાના સરકારી દવાખાનામાં લાંબા સમયથી પ્રતીક્ષિત ડાયાલિસિસ સેન્ટર શરૂ થવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી મંગળવારે આ મહત્વપૂર્ણ આરોગ્ય સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે, જેના કારણે સ્થાનિક દર્દીઓને રાહત મળશે અને તેમને સારવાર માટે અન્યત્ર ધક્કા નહીં ખાવા પડે.
આ સુવિધા શરૂ કરવા પાછળ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલી સક્રિય રજૂઆતો મુખ્ય કારણ રહી છે. અગાઉ, એક વર્ષ પૂર્વે બગસરાની સરકારી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા આ હોસ્પિટલમાં ડાયાલિસિસ વિભાગ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, લાંબો સમય વીતી જવા છતાં આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા જનમાનસમાં રોષ જોવા મળ્યો હતો.એક વર્ષનો સમયગાળો પૂરો થવા છતાં ડાયાલિસિસ યુનિટ કાર્યરત ન થતાં, વિરોધ પક્ષના નેતા અનિલભાઈ શેખ તથા જમાલભાઈ સરવૈયા દ્વારા આ બાબતે ઉગ્ર આંદોલન સાથે અનસન ઉપર બેસવાની ચીમકી આપવામાં આવી હતી. તંત્ર દ્વારા આંદોલનની જાહેરાતને ગંભીરતાથી લેવામાં આવી અને તાત્કાલિક ધોરણે પ્રક્રિયા ઝડપી બનાવી મંગળવારે જ ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.આ સેન્ટર શરૂ થવાથી બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના કિડનીના દર્દીઓને મોટો ફાયદો થશે. અગાઉ દર્દીઓને ડાયાલિસિસ માટે દૂરના શહેરોમાં જવું પડતું હતું, જેના કારણે સમય અને નાણાં બંનેનો વ્યય થતો હતો. હવે સ્થાનિક સ્તરે જ આ સુવિધા ઉપલબ્ધ બનતા દર્દીઓ અને તેમના સ્વજનોએ રાહતનો શ્વાસ લીધો છે.