Jai Hind

દેરાડાના ઉપસરપંચે ધારાસભ્યને રામલલાના ફોટો અર્પણ કર્યા વાંકાનેરના દેરાડાથી અયોધ્યા પગપાળા જઇ દર્શન કરનાર ઉપસરપંચનું ભવ્ય સન્માન

વાંકાનેર તાલુકાના દેરાડા ગામના ઉપસરપંચ જેન્તિલાલ ગણેશભાઈ ભીંસડિયાએ અડગ શ્રદ્ધા, અવિચળ સંકલ્પ અને ભગવાન રામ પ્રત્યેની અખંડ ભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે દેરાડાથી અયોધ્યા સુધીની આશરે 2841 કિલોમીટરની પદયાત્રા માત્ર 28 દિવસમાં પૂર્ણ કરીને ભગવાન રામલલ્લાના પવિત્ર દર્શનનો લાભ મેળવ્યો હતો.અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા બાદ તેઓ આજે વતન પરત ફર્યા હતા. આ પ્રસંગે તેમણે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને ભગવાન રામનો પવિત્ર ફોટો આશીર્વાદરૂપે અર્પણ કર્યો હતો. ધારાસભ્યએ આ ધાર્મિક ભેટને શ્રદ્ધાપૂર્વક સ્વીકારી, જે સમગ્ર વિસ્તારમાં આસ્થા અને સંસ્કૃતિનું પ્રતિક બની રહી.
આ અવસરે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જેન્તિલાલ ગણેશભાઈ ભીંસડિયાનું શાલ ઓઢાડી સન્માન કર્યું અને તેમની આ અદભૂત પદયાત્રાની સરાહના કરી. ઉપસ્થિત સૌએ તેમના અડગ મનોબળ, દૃઢ સંકલ્પ અને ભગવાન પ્રત્યેની અવિચળ ભક્તિને વંદન કર્યું. 2841 કિલોમીટરનું લાંબું અંતર પગપાળા કાપવું માત્ર શારીરિક શક્તિનો જ નહીં, પરંતુ માનસિક ધૈર્ય, આત્મવિશ્વાસ અને અખંડ શ્રદ્ધાનો પણ ઉત્તમ દાખલો છે.