સાદગી, સામાજિક સંદેશ અને સૌહાર્દનું અનોખું મિલન : ધારાસભ્ય સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ
ઉના તાલુકાના દેલવાડા ગામે મુસ્લિમ સમાજના યંગ કમિટી દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં સામાજિક એકતા, સાદગી અને કોમી એખલાસનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો.દેલવાડા ખાતે આવેલા મુસ્લિમ સમાજ ના હોલમાં આયોજિત આ ભવ્ય સમૂહલગ્ન સમારોહમાં કુલ 14 નવદંપતી નિકાહની પવિત્ર ધાર્મિક વિધિ સાથે લગ્નજીવનમાં જોડાયા હતા.
સમૂહલગ્ન સમિતિ દ્વારા સુંદર આયોજન અને સુવ્યવસ્થિત વ્યવસ્થા વચ્ચે યોજાયેલા આ પ્રસંગે સમગ્ર વાતાવરણમાં ખુશી, ઉમંગ અને આશીર્વાદની પવિત્ર લાગણી છવાઈ ગઈ હતી. મુસ્લિમ સમાજની ધાર્મિક પરંપરા અને રીતરિવાજ મુજબ 14 નવદંપતીના નિકાહની વિધિ ધર્મગુરુ મૌલાના ઈકબાલ બાપુ કાદરી તેમજ જુમ્મા મસ્જિદના આલિમ દ્વારા કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે ઉના-ગીરગઢડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત સભ્ય રાહુલભાઈ બાંભણીયા, ભાજપ અગ્રણી હિરેનભાઈ બાંભણીયા, દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના આગેવાનો, મુસ્લિમ સમાજના અગ્રણી મુન્નાભાઈ ઉનડજામ, ઘાંચી સમાજના યુસુફભાઈ તવક્કલ, વેપારી અગ્રણી અબાસભાઈ સુમરાણી તેમજ સમૂહલગ્ન મહોત્સવના વિવિધ દાતાઓ અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ નવદંપતીને આશીર્વાદ આપી તેમના સુખી દામ્પત્યજીવનની શુભકામનાઓ પાઠવી હતી.
સમૂહલગ્ન સમિતિ દ્વારા લગ્ન પ્રસંગે થતા બિનજરૂરી અને અતિશય ખર્ચ સામે સમાજને સાદગી અને સામાજિક જવાબદારીનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. લગ્નપ્રસંગના ભારે ખર્ચના કારણે અનેક પરિવારો આર્થિક મુશ્કેલીનો સામનો કરતા હોય છે ત્યારે ધાર્મિક સંદેશ અનુસાર સાદગીપૂર્ણ રીતે લગ્નવિધિ યોજી શકાય અને સમાજના સહકારથી દીકરા-દીકરી ઓના લગ્ન સુખદ વાતાવરણમાં સંપન્ન થઈ શકે તેવા ઉદ્દેશ સાથે આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું
આ સમૂહલગ્ન પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે રૂ. 21,000, જિલ્લા પંચાયત સભ્ય રાહુલભાઈ બાંભણીયાએ રૂ. 15,000, ભાજપ અગ્રણી હિરેનભાઈ બાંભણીયાએ રૂ.11,000 તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી મુન્નાભાઈ ઉનડજામે રૂ. 11,000નું યોગદાન આપી સમૂહલગ્ન સમિતિના સેવાભાવી પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું હતું.
આ પ્રસંગે દેલવાડા યંગ કમિટીના યુવાનો દ્વારા ઉપસ્થિત ધારાસભ્ય તથા તમામ આગેવાનો અને મહાનુભાવોને શાલ ઓઢાડી તથા પુષ્પહારથીસન્માનિત કરવામાં આવ્યા હતા.કોમીએખલાસનુંજીવંતઉદાહરણ બન્યો સમૂહલગ્ન સમારોહ દેલવાડા ખાતે યોજાયેલો આ સમૂહલગ્ન સમારોહ માત્ર 14 નવદંપતીના નિકાહનો પ્રસંગ ન રહ્યો, પરંતુ સામાજિક એકતા, પરસ્પર સહકાર, કોમી એખલાસ અને ભાઈચારાની ભાવનાનું જીવંત ઉદાહરણ બની રહ્યો હતો. વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિએ સૌહાર્દનો સંદેશ વધુ મજબૂત બનાવ્યો હતો.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા દેલવાડા સમસ્ત મુસ્લિમ સમાજના યુવાનો સહકારની ભાવનાથી જોડાયા હતા. સમૂહલગ્ન કમિટીના સૈયદ સલીમ બાપુ ગુલાબ મીયા ના નેજા હેઠળ તમામ કમીટીના સભ્યો એ સંપૂર્ણપણે સહકાર ની ભાવના વ્યક્ત કરી આ આયોજન ને સફળ બનાવ્યું હતું કાર્યક્રમનું સ્ટેજ સંચાલન ઈમ્તિયાઝ નાયા દ્વારા કરવામાં આવ્યું હતું.