Jai Hind

મીઠાપુરમાં વિદેશી દારૂના 30 ચપલા સાથે બુટલેગર ઝડપાયો

પોલીસે દેશીદારૂ બનાવવાનો આથો, દારૂના ચપલા મળી રૂા.53 હજારનો મુદ્ામાલ કબજે કર્યો: સપ્લાયરનું નામ ખુલ્યુ

મીઠાપુરમાં વિદેશી દારૂના 30 ચપલા અને દેશીદારૂ બનાવવાના આથા સાથે બુટલેગરને ઝડપી લઇ પોલીસે રૂા.53 હજારનો મુદામાલ કબજે કર્યો છે. લાલસિંગપુરના સપ્લાયરનું નામ ખુલતા પોલીસે સપ્લાયરની શોધખોળ આદરી છે.
ઓખા મંડળના મીઠાપુર તાબેના પાડલી ગામની સીમમાં આવેલા એક ખરાબાની જગ્યામાં રહેલી બાવળની ઝાળીમાં લાલસિંગપુર ગામના રહીશ ભાવેશભા વાલાભા માણેક નામના 24 વર્ષના શખ્સ દ્વારા છુપાવીને રાખવામાં આવેલા વિદેશી દારૂના રૂ. 3,000 ની કિંમતના 30 ચપલા તથા રૂ. 15,000 ની કિંમતનો દેશી દારૂ બનાવવાનો 600 લીટર આથો પોલીસે કબજે કર્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 30,000 ની મોટરસાયકલ, રૂ. 5,000 ની કિંમતના મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 53,000 નો મુદ્દામાલ કબજે કરી, આરોપી ભાવેશભા માણેકની અટકાયત કરી હતી. દારૂના ચપલા તેણે લાલસિંગપુર ગામના રહીશ મેઘાભા નાગાજણભા કેર નામના શખ્સ પાસેથી મેળવ્યા હોવાનું તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. આ અંગે પોલીસે આરોપી મેઘાભા નાગાજણભા કેરને હાલ ફરાર જાહેર કરી, આરોપી ભાવેશભા માણેકની અટકાયત કરી, જરૂરી કાર્યવાહી કરી હતી.