સિંહો ગામમાં પ્રવેશી પશુઓનું મારણ કરે છે, લોકોમાં ભયનો માહોલ છે: કાયમી ઉકેલ લાવવા માંગ
જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં છેલ્લા અંદાજે બે મહિનાથી સતત સિંહો રહેણાંક વિસ્તારમાં પ્રવેશી પશુઓનું મારણ કરી રહ્યા હોવાથી ગ્રામજનોમાં ભારે ભય અને દહેશતનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં અમરેલી જિલ્લામાં તેમજ રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં માનવ પર સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો થતાં બાબરકોટ ગામના લોકોમાં પણ જાનહાનિની આશંકા વધી રહી છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાબરકોટ ગામના સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા આજે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને રૂબરૂ મળી લેખિત અરજી આપવામાં આવી હતી.
અરજીમાં ગામમાં 24 કલાક સિંહોની હિલચાલ પર અસરકારક દેખરેખ રાખવા, અનુભવી ટ્રેકરો અને પૂરતા વનકર્મીઓની તાત્કાલિક નિમણૂક કરવા, વધારાની રેસ્ક્યૂ તથા પેટ્રોલિંગ ટીમ ગોઠવવા, સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનીટરીંગ કરવા, ગ્રામજનોને સમયસર માહિતી અને માર્ગદર્શન આપવા, માનવ-સિંહ ઘર્ષણ અટકાવવા જરૂરી સુરક્ષાત્મક પગલાં અમલમાં મૂકવા, પશુઓના મારણના બનાવોમાં પીડિતોને ઝડપથી વળતર ચૂકવવા તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લઈને કાયમી ઉકેલ લાવવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે.
સરપંચએ જણાવ્યું હતું કે બાબરકોટ ગામમાં નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો, ખેડૂતો અને માલધારીઓ સતત ભયના માહોલમાં જીવન પસાર કરી રહ્યા છે. વન વિભાગ દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો કોઈપણ સમયે ગંભીર દુર્ઘટના બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી. જિલ્લા કલેક્ટરને રજૂઆત દરમિયાન બાબરકોટ ગામના ગ્રામજનોના જાનમાલની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી તાત્કાલિક કાર્યવાહી કરવા અને કાયમી ઉકેલ માટે જરૂરી આયોજન હાથ ધરવાની માંગ કરવામાં આવી હતી.