ઉનાના નવાબંદર મરીન પોલીસની કાર્યવાહી : બે બોટ સાથે માછીમારી કરતા શખ્સો ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લામાં દરિયામાં ગેરકાયદેસર માછીમારી અટકાવવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ત્યારે મુળદ્વારકા બંદર નજીક પ્રતિબંધિત સમયગાળા દરમિયાન દરિયામાં માછીમારી કરતા બે બોટ માલિકો સામે નવાબંદર મરીન પોલીસે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મત્સ્યોદ્યોગ કમિશનર, ગાંધીનગરના પરિપત્ર મુજબ તા. 1 જૂનથી તા. 15 ઓગસ્ટ, 2026 સુધી દરિયામાં માછીમારી કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પ્રતિબંધના અમલ માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ દરિયાઈ વિસ્તારમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ મુળદ્વારકા કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મુળદ્વારકા બંદરના દરિયાકાંઠે જેટી વિસ્તારમાં બે બોટ દરિયામાંથી માછીમારી કરી પરત આવતી નજરે પડી હતી. પોલીસે બંને બોટને અટકાવી તપાસ કરતાં પ્રતિબંધિત સમયગાળા દરમિયાન દરિયામાં માછીમારી કરાઈ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ઈંગઉ-ૠઉં-11-ખઘ-5309 રજીસ્ટ્રેશન નંબર ધરાવતી બોટના માલિક જુમાભાઈ જાફરભાઈ ઢોકી (ઉં.વ. 26), રહે. મુળદ્વારકા બંદર, તા. કોડીનાર તથા ઈંગઉ-ૠઉં-32-ખઘ-5769 રજીસ્ટ્રેશન નંબર ધરાવતી બોટના માલિક અકબરભાઈ ઈસ્માઈલભાઈ ઢોકી (ઉં.વ. 32), રહે. મુળદ્વારકા, તા. કોડીનાર સામે કાર્યવાહી કરી હતી.
બંને ઇસમોએ પ્રતિબંધ હોવા છતાં દરિયામાં જઈ માછીમારી કરી હોવાનું જણાતા ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમો, 2003ના નિયમ 6/1(ટ)ના ભંગ બદલ ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) અધિનિયમ, 2020ની કલમ 21(1)ચ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
દરિયામાં પ્રતિબંધનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહીનો સંદેશ
દરિયાઈ જીવસૃષ્ટિ અને મત્સ્ય સંસાધનોના સંરક્ષણને ધ્યાનમાં રાખી ચોમાસા દરમિયાન માછીમારી ઉપર પ્રતિબંધ અમલમાં છે. તેમ છતાં પ્રતિબંધનો ભંગ કરી દરિયામાં માછીમારી કરનારાઓ સામે પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુળદ્વારકાની આ કાર્યવાહીથી દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર ફિશિંગ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
આ સમગ્ર કાર્યવાહી નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. પરમારના માર્ગદર્શન હેઠળ ઙજઈં એમ.એ. રાઠોડ તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. કામગીરીમાં બોટ માસ્ટર ઈરફાનભાઈ ફારૂનભાઈ સોઢા અને જયેશભાઈ દેવશીભાઈ કછોટ પણ જોડાયા હતા.