બે મોટર સાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો
મોરબી ક્રાઇમ બ્રાંચે અલગ-અલગ કાર્યવાહીમાં પાંચ વર્ષ પહેલાં છોટાઉદેપુરમાંથી ચોરાયેલ તેમજ 20 દિવસ પહેલાં રાજકોટમાંથી ચોરાયેલ બે મોટરસાયકલ સાથે બે આરોપીઓને ઝડપી બાઇક ચોરીના બે અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવાની ઝુંબેશ દરમિયાન બે અલગ-અલગ બાઇક ચોરીમાં બે આરોપીઓને ઝડપી લીધા હતા, જેમાં પ્રથમ કાર્યવાહીમાં મોરબી-હળવદ રોડ પર ઉંચી માંડલ નજીક પેટ્રોલિંગ દરમિયાન નંબર પ્લેટ વગરના હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ સાથે એક શખ્સને અટકાવવામાં આવ્યો હતો. પકડાયેલ શખ્સ પાસે વાહનના દસ્તાવેજો ન હોવાથી પોલીસે પોકેટકોપ એપ્લિકેશનમાં એન્જિન અને ચેસીસ નંબરની તપાસ કરતાં બાઇક વર્ષ 2021માં છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે આરોપી વિક્રમભાઈ લુલજીભાઈ બાવાભાઈ નાયકા ઉવ.29 હાલ રહે. જીકીયારી ગામે મનીષભાઈ સવજીભાઈ ચાપાણીની વાડી તા.જી. મોરબી મૂળરહે. કુંભાણી તા.જી.છોટાઉદેપુર વાળાની અટકાયત કરી મોટરસાયકલ કબજે કરી મોરબી તાલુકા પોલીસને સોંપ્યો હતો, તેમજ છોટાઉદેપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે બીજી કાર્યવાહીમાં મોરબી-માળીયા નેશનલ હાઇવે પર ફન હોટલ નજીક નંબર પ્લેટ વગરના હીરો એચ.એફ. ડિલક્સ મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક શખ્સને અટકાવી તેની પૂછપરછમા તેણે રાજકોટ શહેરમાં મોરબી જકાતનાકા નજીકથી આશરે 20 દિવસ પહેલાં બાઇક ચોરી કર્યું હોવાનું કબૂલ્યું હતું. પોકેટકોપમાં તપાસ કરતાં રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાઇક ચોરીના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આ સાથે ક્રાઇમ બ્રાંચે આરોપી હનુભાઈ સુરાભાઈ વાઘેલા ઉવ.35 રહે. મોટા દેવળીયા બસ સ્ટેશન પાસે તા.બાબરા જી.અમરેલી વાળાની અટકાયત કરી રજી.નં. જીજે-20-બીએન-1470 નંબરનું હીરો એચ.એફ. ડિલક્સ મોટરસાયકલ કિ.રૂ.72 હજાર વાળું કબજે કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સોંપ્યું હતું તેમજ રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.