Jai Hind

મેંદરડા પંથકમાં મગફળી- સોયાબીનના પાકમાં ઈયળોનો ભયંકર ઉપદ્રવ

કૃષિ વિભાગ પાસે તાત્કાલિક માર્ગદર્શન અને સહાયની માંગ

મેંદરડા પંથકમાં ચોમાસુ પાકમાં ઈયળોનો ભારે ઉપદ્રવ થતાં ખેડૂતો આર્થિક સંકટની ભીતિથી ચિંતિત થયા છે ત્યારે ચાલુ વર્ષે મેંદરડા પંથક સહિત સમગ્ર જિલ્લામાં સમયસર વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ હરખભેર મોંઘાદાટ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને મગફળી, સોયાબીન અને અડદ જેવા પાકોનું વાવેતર કર્યું હતું. શરૂઆતમાં પાકનો ઉગાવો પણ ખૂબ જ સારો રહ્યો હતો. પરંતુ વાવેતરના માત્ર 12થી 15 દિવસમાં જ મગફળી અને સોયાબીનના પાકમાં લીલી તથા કાળી ઈયળોનો ભયંકર કટોકટીભર્યો ઉપદ્રવ શરૂ થઈ ગયો છે. આ ઈયળો પાકના કૂણા કૂંપળા અને પાંદડાં કોતરી ખાતાં પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે.સ્થાનિક ખેડૂત પરસોતમભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર, દર વર્ષે ઈયળો આવતી હોય છે પણ આ વર્ષે પાકની સાવ નાની અવસ્થામાં જ તેનો ઉપદ્રવ વધતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ઘણા ખેડૂતો બે-બે વાર જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ચૂક્યા હોવા છતાં ઈયળો કાબૂમાં આવતી નથી. જો આ ઉપદ્રવ પર તુરંત નિયંત્રણ નહીં મેળવાય તો ઉત્પાદન પર ગંભીર અસર પડશે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે. ત્યારે પરિસ્થિતિ ને ધ્યાને રાખીને ખેડૂતો દ્વારા કૃષિ વિભાગ તાત્કાલિક અસરકારક માર્ગદર્શન અને જરૂરી સહાય પૂરી પાડે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.