Jai Hind

જસદણના જલારામ મંદિરે આજે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી

ગુરૂપૂજન, આરતી, મહાપ્રસાદનું આયોજન

જસદણના જલારામ મંદિરે ભાગવત કથા ચાલી રહી છે તેની બુધવારે પૂર્ણાહુતિ થશે તેમજ ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે.જસદણના બ્રહ્મલીન સંત પૂજ્ય હરિરામબાપા પ્રેરિત જલારામ સત્સંગ મંડળ દ્વારા તથા સમસ્ત હરી પરિવાર દ્વારા જસદણના જલારામ મંદિર ખાતે ભાગવત કથા ચાલી રહી છે. શાસ્ત્રી ઈશ્વરચંદ્ર વ્યાસ કથાનું રસ પાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન નૃસિંહ પ્રાગટ્ય, વામનજી પ્રાગટ્ય, રામચંદ્રજી પ્રાગટ્ય, કૃષ્ણચંદ્ર પ્રાગટ્ય, ગોવર્ધન પૂજા, રુકમણી વિવાહ વગેરે ઉત્સવ ભવ્યતાથી ઉજવાયા હતા. આજે ને બુધવારે બપોરે કથા વિરામ થશે. આ દિવસે ગુરુપૂર્ણિમા હોય સદગુરુ પૂજ્ય હરિરામ બાપા પ્રત્યે ભાવવંદના વ્યક્ત કરવા સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હરિ પરિવારના લોકો જસદણ જલારામ મંદિર ખાતે આવશે. જસદણ જલારામ મંદિર ખાતે પૂજ્ય હરિરામ બાપાની ચરણ પાદુકા તેમજ ચિત્રજીનું પૂજન કરવામાં આવશે. આ ઉપરાંત બપોરે આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુપૂર્ણિમાના દિવસે રામાયણના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ, ધૂન ભજન કીર્તન વગેરે યોજાશે. ગુરુપૂર્ણિમા ઉત્સવ તેમજ મહાપ્રસાદનો લાભ લેવા જલારામ સત્સંગ મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.