પોલીસે રૂ.1.13 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરને ઝડપી લીધો
દ્વારકા વિસ્તારમાં એલ.સી.બી. પોલીસે કાર્યવાહી દરમિયાન ગઢેચી ગામના વાડી વિસ્તારમાં એક આસામી દ્વારા સૂકા ઘાસ નીચે અંડર ગ્રાઉન્ડ ટાંકો બનાવીને અહીં ચલાવાતી દેશી દારૂની ભઠ્ઠી કબજે કરી છે.
આ અંગે એલ.સી.બી. સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પીઠાભાઈ ગોજીયા, ખીમાભાઈ આંબલીયા અને જયપાલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકા તાલુકાના ગઢેચી ગામની સીમ વિસ્તારમાં રહેતા રણધીર ઉર્ફે રણધો શુકલભા માણેક નામના શખ્સ દ્વારા પોતાની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાથી અહીં એલસીબીની ટીમે દરોડાની કાર્યવાહી કરી હતી.
આ દરોડામાં ઉપરોક્ત સ્થળે આરોપી શખ્સ દ્વારા પશુને નાખવાના ચારા (સુકાઈ ગયેલા ઘાસ)ની નીચેના ભાગે અંડર ગ્રાઉન્ડ પાણીનો ટાંકો બનાવ્યો હતો. જેમાં છુપી રીતે ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવવામાં આવતી હતી. આ સ્થળેથી પોલીસે રૂ. 76 હજારની કિંમતનો 380 લિટર દેશી દારૂ, 31,250 ની કિંમતનો દારૂ બનાવવાનો 1,250 લિટર આથો, ધાતુની નળી, ગેસ સિલિન્ડર, લોખંડના ચૂલા સહિત કુલ રૂ. 1,13,250 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અર્થે આરોપીનો કબજો મીઠાપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.