Jai Hind

દર્શાલી ગામમાં કેન્સર પીડિત મહિલા પર સાસરિયાઓનો ત્રાસ: ફરિયાદ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દર્શાલી ગામની વતની અને હાલ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં બંસી ટાઉનશીપ ખાતે રહેતી કાજલબેન સાવનભાઈ ગરેજાએ પોતાના સાસરિયાઓ સામે મહીલા પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે.
પીડિત મહિલાને સ્તન કેન્સરની ગંભીર બીમારીનું નિદાન થતાની સાથે જ સાસરિયા પક્ષના વર્તનમાં અચાનક નકારાત્મક પરિવર્તન આવ્યું હતું. પતિ સાવનભાઇ લાલજીભાઇ ગરેજા, સસરા લાલજીભાઇ કરશનભાઇ ગરેજા, સાસુ દક્ષાબેન લાલજીભાઇ ગરેજા તેમજ દેર યોજ્ઞિકભાઇ લાલજીભાઇ ગરેજા દ્વારા મહિલાને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આરોપીઓ મહિલાને બીમારી અંગે વંશવેલો બગાડવાના મેણા-ટોણા મારી ગાળો આપતા હતા અને ’તારા જેવી કેન્સરવાળી સ્ત્રી જીવતી ન રહેવી જોઈએ’ તેમ કહીને તુરંત છૂટાછેડા આપી દેવા માટે દબાણ કરી ગુનાહિત મદદગારી કરી હતી. આ અંગે પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે.
સોંદરડા નજીક ટ્રક ચાલકની બેદરકારીથી એસ.ટી. બસ ઝાડ સાથે અથડાઈ: મુસાફરોનો બચાવ
કેશોદ તાલુકાના સોંદરડા ગામ નજીક ગણેશ કાંટા સામેના મુખ્ય માર્ગ પર ટ્રક ચાલકની ઘોર બેદરકારીના કારણે ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. વેરાવળ પંચવટી સોસાયટીના રહીશ અને એસ.ટી. નિગમના ડ્રાઇવર મહિપતભાઇ મુળુભા લુણસરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાની એસ.ટી. બસ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રકના ચાલકે કોઈપણ જાતનું સિગ્નલ કે હોર્ન વગાડ્યા વગર ગફલતભરી રીતે વાહન રોડ પર ચડાવી દીધું હતું. રોડ પર અચાનક આવી ગયેલા ટ્રક સાથે સીધી ટક્કર ટાળવા અને બસમાં સવાર મુસાફરોના પ્રાણ બચાવવાના હેતુથી ડ્રાઇવરે તાત્કાલિક ઈમરજન્સી બ્રેક મારી વાહન બાજુમાં લીધું હતું. આ દરમિયાન એસ.ટી. બસ રોડ સાઈડમાં આવેલા ઝાડની ડાળ સાથે જોરદાર રીતે અથડાઈ ગઈ હતી. સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
મજેવડી ગેટ પાસે ટ્રકની ટક્કરથી સરકારી સીસીટીવી પોલ ધરાશાયી: રૂ. 83,536નું નુકસાન
જૂનાગઢ શહેરના ઐતિહાસિક મજેવડી દરવાજા ગેટ પાસે પૂરઝડપે ચાલતા ટ્રકે સરકારી મિલકતને ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનો બનાવ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના મોકર ગામના વતની ટ્રક ચાલક માવજીભાઇ બઘાભાઇ જોડ પોતાના કબ્જા હેઠળનો ટ્રક લઈને મજેવડી ગેટ પરથી અત્યંત બેફીકરાઈ અને પૂરઝડપે પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન વાહન પરનો કાબૂ ગુમાવતા ટ્રક રોડ સાઈડમાં ઊભા કરવામાં આવેલા સરકારી પોલ સાથે ધડાકાભેર અથડાયો હતો. આ પોલ પર સુરક્ષા વ્યવસ્થા માટે કિંમતી સરકારી સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા. અકસ્માતને કારણે કેમેરા તથા પોલને વ્યાપક નુકસાન થતા અંદાજે રૂ. 83,536 ની સરકારી મિલકતનું નુકસાન થયું હતું. પોલીસે વાહન ચાલક સામે ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માંગરોળ મરીન વિસ્તારમાં દરિયાઈ પ્રતિબંધનો ભંગ: બે હોડીઓ સાથે રૂ. 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત
માંગરોળ મરીન પોલીસ મથક હેઠળના શેરીયાજબારા વિલેજ નજીક દરિયાઈ વિસ્તારમાં સરકારી પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર માછીમારી કરવા બદલ બે અલગ-અલગ બનાવોમાં આઠ માછીમારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. ચોમાસાની ઋતુ દરમિયાન સરકાર દ્વારા દરિયામાં માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવેલો હોવા છતાં, કાસમભાઈ સુલેમાનભાઈ લુચાણી અને અન્ય 3 ઈસમો પોતાની ’લાલો કે લાલ’ નામની હોડી તેમજ જાવીદભાઈ જાકુબ સમા અને અન્ય 3 ઈસમો પોતાની ’બરકત’ નામની હોડી લઈને ઓનલાઈન ટોકન લીધા વગર દરિયામાં ઊતરી પડ્યા હતા. માંગરોળ મરીન પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બંને હોડીઓને ઝડપી પાડી, બંને હોડીઓમાંથી મચ્છી પકડવાની ચાર પ્લાસ્ટિકની જાળ અને યામાહા કંપનીના બે એન્જિન મળી કુલ રૂ. 2,40,000 નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
ગિરનાર ભવનાથ ક્ષેત્રમાં તબિયત
લથડતા બે શ્રદ્ધાળુઓના મોત
જૂનાગઢના પવિત્ર ભવનાથ તળેટી વિસ્તારમાં અકસ્માતે મોત થવાના બે અલગ-અલગ બનાવો પ્રકાશમાં આવ્યા છે. પ્રથમ બનાવમાં, શેરનાથ બાપુના આશ્રમ પાસે રહેતા 54 વર્ષીય ભારતીબેન અજયભાઇ સોલંકીને રાત્રિના સમયે અચાનક શરીરે અસહ્ય દુખાવો ઉપડતા તેઓ બેભાન થઈ ગયા હતા. તેઓને એમ્બ્યુલન્સ મારફતે તુરંત જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બીજા બનાવમાં, ભવનાથ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે રહેતા 50 વર્ષીય સાધુ રેવાનંદજી ગુરુજી મુક્તાનંદજી (મૂળ રહે. બિહાર) ની રાત્રિ દરમિયાન અચાનક તબિયત લથડતા તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.