પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશના ધરણાં, ચક્કાજામથી તંત્ર દોડતું થયું: દોઢ કલાક હાઇવે જામ, કોંગ્રેસે બંને સાઇડ ચક્કાજામ કરતાં વાહનોની લાંબી કતારો, મુસાફરો અટવાયા
ઉના-ભાવનગર નેશનલ હાઇવે પર સામતેર ગરાળ નજીક રાવલ નદી પરના બ્રિજમાં પડેલા ભંગાણ ને લઈને હવે મામલો ગરમાયો છે. બ્રિજની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવતા પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો એ રાવલ નદીના પુલ પાસે ધરણાં કરી ચક્કાજામ કર્યો હતો. બંને તરફ રસ્તો રોકાતા હાઇવે પરવાહનોનીલાંબી કતારો લાગી હતી અને દોઢ કલાક જેટલો સમય વાહન વ્યવહાર ખોરવાઈ જતાં મુસાફરો તથા વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા.
રાવલ બ્રિજના બેસી ગયેલા ભાગ અને પુલના છેડા છૂટા પડવા સહિતની સ્થિતિને લઈને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે સ્થળ પર જ નેશનલ હાઇવે ઓથોરિટી તથા સંબંધિત એજન્સીની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમનો આક્ષેપ હતો કે હાઇવેનું કામ પૂર્ણ થયાને હજુ બે વર્ષ જેટલો ટૂંકો સમય થયો છે, છતાં બ્રિજમાં ભંગાણ, તિરાડો અને રોડના ભાગોમાં ગાબડાં પડવાની સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં ભારે વાહનો સતત પસાર થઈ રહ્યા હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં કાયમી ઉકેલ લાવવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી.
પૂર્વ ધારાસભ્ય વંશે સ્પષ્ટપણે માગણી કરી હતી કે બ્રિજનો જે ભાગ ખરાબ થયો છે તેને માત્ર ઉપરથી રિપેરિંગ કરીને અથવા ગાબડાં પૂરીને કામ પૂર્ણ ન ગણવામાં આવે. ડેમેજ થયેલો ભાગ કાઢીને તેની જગ્યાએ મજબૂત અને ગુણવત્તાયુક્ત નવું બાંધકામ કરવામાં આવે તેવી માગ સાથે તેમણે સ્થળ પર ધરણાં કર્યા હતા.તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સંબંધિત એજન્સીને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને બ્રિજની મૂળ સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે રિપેરિંગ કરીને કામગીરી બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લોકોની સલામતી કરતાં એજન્સીની કામગીરીને બચાવવાનો પ્રયાસ કેમ કરવામાં આવી રહ્યો છે તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.
પૂર્વ ધારાસભ્યના જણાવ્યા મુજબ ઉના-ભાવનગર નેશનલ હાઇવે પરના અનેક માઇનોર બ્રિજ તથા નદી પરના બ્રિજમાં તિરાડો, રોડ ફાટવા, પુલના છેડા છૂટા પડવા અને મોટા ગાબડાં જેવી સમસ્યાઓ સામે આવી રહી છે. હાઇવેના બાંધકામની ગુણવત્તા અંગે અગાઉ થી જ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફઇન્ડિયા,કલેક્ટર, પ્રાંત અધિકારી સહિતના સત્તાધીશોને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
આટલી રજૂઆતો છતાં જો સ્થિતિમાં સુધારો ન થયો હોય તો બાંધકામની ગુણવત્તાની તપાસ કોણે કરી હતી અને જવાબદારી કોની છે તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે.
ધરણાં દરમિયાન ચક્કાજામ હટાવવા પોલીસેકાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશની અટકાયત કરવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું. પોલીસ દ્વારા તેમના ખભા પર હાથ મુકીને અટકાયત કરવામાં આવતા વંશ રોષે ભરાયા હતા અને પોલીસ સામે ઉગ્ર વાંધો વ્યક્ત કર્યો હતો.આ દરમિયાન ઙજઈં બોરીચા અને પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ચકમક જોવા મળી હતી. લોકોની હાજરીમાં વાતાવરણ તંગ બનતાં પોલીસ દ્વારા સ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
‘હું કોઈ બુટલેગર કે આતંકવાદી નથી’ : વંશનો આક્રોશ
અટકાયત સમયે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે ઉગ્ર રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મને કોઈ હાથ લગાડતા નહીં. હું કોઈ બુટલેગર કે આતંકવાદી નથી, હું જાહેર જીવનનો માણસ છું. લોકોની સમસ્યા અને તેમની સુરક્ષા માટે રજૂઆત કરું છું એટલે મારી અટકાયત કેમ? દારૂના દુષણને લઈને પણ તેમણે પોલીસ સામે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, પકડવા હોય તો બુટલેગરોને પકડો, તમને દારૂનું દુષણ કેમ દેખાતું નથી? તેમના આ આક્રોશથી સ્થળ પરનું વાતાવરણ વધુ ગરમાયું હતું.
બંને સાઇડ ચક્કાજામથી હાઇવે પર વાહનોની કતારો
કોંગ્રેસ કાર્યકરોએ હાઇવેની બંને સાઇડ ચક્કાજામ કરતાં ઉના-ભાવનગર માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. મુસાફરો, ટ્રક ચાલકો અને અન્ય વાહનચાલકો દોઢ કલાક જેટલા સમય સુધી રસ્તામાં અટવાઈ ગયા હતા.પોલીસની કાર્યવાહી બાદ ચક્કાજામ હટાવવામાં આવ્યો અને ત્યારબાદ વાહન વ્યવહાર ધીમે ધીમે પૂર્વવત્ થયો હતો.
9 કોંગ્રેસ આગેવાનોની અટકાયત
આખરે પોલીસે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ સહિત કોંગ્રેસના કુલ નવ આગેવાનોની અટકાયત કરી હતી. પૂર્વ ધારાસભ્યને તેમની જ ગાડીમાં સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ઉના પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. આશરે બે કલાક ચાલેલા સમગ્ર ઘટનાક્રમ બાદ અટકાયત કરાયેલા આગેવાનોને બાદમાં છોડી મુકવામાં આવ્યા હતા.
રિપેરિંગ અટકાવાયું, હવે કાયમી ઉકેલની માંગ
ચક્કાજામ અને વિરોધ બાદ સામતેર નજીક રાવલ નદી પર બેસી ગયેલા ભાગમાં માત્ર રિપેરિંગ કરી થીગડાં મારવાની કામગીરી અટકાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હવે આ ભાગનું યોગ્ય ટેકનિકલ નિરીક્ષણ કરી ખરાબ થયેલો ભાગ દૂર કરીને મજબૂત અને કાયમી કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રાવલ બ્રિજના ભંગાણને લઈને ઊભા થયેલા સવાલો હવે માત્ર રાજકીય વિરોધ પૂરતા સીમિત રહ્યા નથી. લોકોની સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવતા હાઇવે પર ટૂંકા ગાળામાં જ બ્રિજમાં ભંગાણ કેમ પડ્યું? બાંધકામ સમયે ગુણવત્તાની તપાસ કેવી રીતે થઈ? અને જો માત્ર રિપેરિંગથી કામ ચલાવવામાં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની જવાબદારી કોની રહેશે? તેવા સવાલો સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે.હવે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રાવલ બ્રિજની સ્થિતિનું ગંભીરતાથી ટેકનિકલ નિરીક્ષણ કરી કાયમી અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે છે કે પછી માત્ર ‘થીગડાં’ મારીને મામલો થાળે પાડવામાં આવે છે, તેના પર સૌની નજર છે.