ગુજરાત આયુર્વેદ યુનિ.ના વાઈસ ચાન્સલેસરને આવેદનપત્ર પાઠવ્યું
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પરિક્ષાનું પેપર લીક થવાના મુદ્દે જામનગરમાં એબીવીપી, યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ગુજરાત આયુર્વેદ યુનિ.ના વાઈસ ચાન્સ્લેસરને આવેદન પત્ર પાઠવી કડક પગલા લેવા માગ કરી છે.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા બીએએમએસની પરીક્ષાના પેપર લીક મુદ્દે આજે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા યુનિ.ના વાઈસ ચાન્સેલરને આવેદન પત્ર પાઠવાયું હતું. આ આવેદનપત્ર માં રજૂઆત કરતા જણાવ્યું છે કે, આ પેપરલીકના કારણે વિદ્યાર્થીઓ ઉપર ગંભીર અસર થવા પામી છે. તા. ર0 ના પેપરલીક થયું છતાં કોઈપણ પ્રકાર ની તપાસ તથા જાહેરાત કેમ કરવામાં આવી નહીં. આ વિલંબનું કારણ સ્પષ્ટ કરવામાં આવે. સમગ્ર પ્રકરણમાં કોઈ અધિકારી, કર્મચારી કે અન્ય કોઈ વ્યક્તિ કસુરવાર જણાય તો તેની સામે ફોજદારી કાર્યવાહી કરી કડક સજા કરવામાં આવે. સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ દ્વારા તપાસ કરાવી સાત દિવસમાં રિપોર્ટ જાહેર કરવામાં આવે. પેપર આપી પ્રામાણિક વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ચેડાં થયા છે. જેની પુન: પરીક્ષા અથવા અન્ય યોગ્ય નિર્ણય લઈ વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે.
જો સમયસર વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા લોકશાહી ઢબે આંદોલન કરવામાં આવશે, જેની જવાબદારી યુનિવર્સિટીની રહેશે તેમ પણ આવેદનમાં જણાવાયું છે. આ આવેદન પત્ર પાઠવતા સમયે જામનગર શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, એનએસયુઆઈના જામનગર શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, ડો. તૌસીફ ખાન પઠાણ, પૂર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, અતુલ ભંડેરી, તથા શક્તિસિંહ જેઠવા સહિત ના કોંગ્રેસ ના કાર્યર્તાઓ જોડાયા હતાં.
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના બીએએમએસના શલ્ય તંત્ર-1 વિષય પરીક્ષા ના પેપરના પ્રશ્નો વોટ્સએપ પર વાયરલ થયા હોવાનો આક્ષેપ થયો છે, જે સતત નિંદનીય છે. યુનિવર્સિટી પ્રશાસન વિદ્યાર્થીઓની પરીક્ષાના પેપર કાઢવામાં અથવા પારદર્શિતા સાથે પરીક્ષા લેવામાં નિષ્ફળ ગયું હોય એવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓ સતત મહેનત અને પરિશ્રમથી પરીક્ષા માટે તૈયારી કરતા હોય છે, જેમાં આવી ઘટના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરે છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ સમગ્ર મામલે જે સમિતિની રચના કરવામાં આવી છે એ ત્વરિતપણે સંડોવાયેલા તમામ લોકોનું નામ જાહેર કરે અને એ લોકો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ઉગ્ર માંગણી સાથે યુનિ.ના વાઈસ ચાન્સેલરને આવેદનપત્ર સુપરત કર્યુ હતું.