ચાંદીપુરા વાયરસ, ડેંગ્યુ, મેલેરિયા સહિતના રોગોને પ્રસરતા અટકાવવા કાર્યવાહી
તાલાલા તાલુકાનાં આંબળાશ ગીર ગામમાં ચાંદીપુરા વાયરસ,ડેન્ગ્યુ,મેલેરિયા સહિત ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા તકેદારીના ભાગરૂપે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા…આંબળાશ ગીર ગ્રામ પંચાયત દ્વારા આખા ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી આરોગ્યલક્ષી કરેલ કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી.
ગામના કાર્યદક્ષ સરપંચ માયાબેન વાછાણી એ આપેલ વિગત પ્રમાણે નાનાં બાળકોને ચાંદીપુરા વાયરસ થી રક્ષિત કરવા તથા ચોમાસામાં ખાડા ખાબોચિયામાં પાણી ભરાવાના કારણે મચ્છરોની સંખ્યામાં વધારો થવાની શક્યતા રહેતી હોવાથી રોગચાળો ફેલાય તે પહેલાં ગ્રામજનોની આરોગ્ય સુખાકારી માટે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે જેના અંતર્ગત ગામના રહેણાંક વિસ્તારો,ગલીઓ,જાહેર સ્થળો તથા પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં ટેન્કર દ્વારા આઠ હજાર લીટર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.દવા છંટકાવ કામગીરી દરમિયાન ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા,ઘર કે આસપાસ પાણી ભરાઈ નહીં તેની તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી.આ ઉપરાંત ચાંદીપુરા વાયરસ,ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોના લક્ષણો જેમકે તાવ,માથાનો દુખાવો કે અન્ય કોઈ લક્ષણ જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી.ગ્રામ પંચાયતે કરેલ આરોગ્યલક્ષી કામગીરીને ગ્રામજનોએ આવકારી હતી.