Jai Hind

બગદાણા ધામે ગુરૂપુર્ણિમા મહોત્સવની ઉજવણી : માનવ મહેરામણ ઉમટ્યું

બાપા સીતારામના નાદ સાથે ધ્વજારોહણ, આરતી સહિતના કાર્યક્રમ

મહિમાપૂર્ણ ગુરુપૂર્ણિમાના અવસરે આજે ગુરુપૂર્ણિમા મહોત્સવમાં બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે ભાવિક ભક્તો સાથેના માનવ મેરામણથી છલકાયો હતો. ધર્મમય અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં હજારો ભાવિક ભક્તો જનો બગદાણા ખાતે ગુરુપૂર્ણિમાના અવસરે બજરંગદાસ બાપાના ચરણોમાં મસ્તક નમાવીને ધન્ય થયા હતા. ચૌદશની રાત્રી (મંગળવાર) થી બગદાણા તરફની ચારે દિશાએથી લોકો બગદાણા પહોંચ્યા હતા. રાત્રિના ઠળીયા ઠાડચ બાજુના માર્ગ પર વાહનોનો ટ્રાફિકજામ થયો હતો.
અહીંના પવિત્ર ગુરુઆશ્રમ પરિસરમાં વહેલી સવારના પાંચ કલાકે આરતીથી ધાર્મિક કાર્યક્રમનો ધમધમાટ શરૂ થયો હતો. જેમાં સવારે સાત વાગે બાપા સીતારામ….. બાપા સીતારામ….. ના નાદ સાથે ધ્વજા પૂજન અને ધ્વજારોહણ થયા બાદ મહિમાપૂર્ણ ગુરુપૂજન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગુરુપૂજન વેળાએ પૂજ્ય બાપાને અતિ વ્હાલી કુમારીકાઓ દ્વારા બાપાની આરતી કરવામાં આવી હતી. રાજભોગ આરતી થયા બાદ મહાપ્રસાદ વિતરણ સવારના 10:00 વાગ્યાથી અવિરત શરૂ રહ્યું હતું.
ગુરુ આશ્રમ બગદાણાના તાલીમબધ્ધ અને બાપાને સમર્પિત એવા હજારો સ્વયંસેવક બહેનો ભાઈઓએ દિવસ અને રાત ખડે પગે સેવા બજાવી હતી. ટ્રાફિક તેમજ અન્ય વિભાગો સાથે રસોડા વિભાગમાં સ્વયંસેવક ભાઈઓ બહેનોની અવિરત સેવા જોવા મળી હતી.

બગદાણા હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા બેનમૂન સેવા
બગદાણા ખાતેની સંત શ્રી બજરંગદાસબાપા હાઇસ્કુલની વિદ્યાર્થીની બહેનો દ્વારા અહીં ઉત્તમ સેવા પ્રાપ્ત થઈ હતી. ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતી લગભગ 100 ઉપરાંત વિધાર્થિનીએ શિક્ષિકા બહેનોના માર્ગદર્શનમાં મહિલાઓની ભોજનશાળામાં વ્યવસ્થા જાળવવામાં મદદ કરી હતી.
ઠેર ઠેર સેવાના શામિયાણા જોવા મળ્યા
ગુરુપુનમની આગલી રાતે બાપાના ધામમાં પહોંચવા માટે મોટી સંખ્યામાં પેદલયાત્રીઓ પદયાત્રા કરીને બગદાણા પહોંચતા હોય છે. ત્યારે આજે બગદાણા તરફના માર્ગો ઉપર ઠેરઠેર સેવાના શમિયાળા જોવા મળ્યા હતા. જ્યાં ચા પાણી, શરબત, નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. જેનો સૌએ લાભ લીધો હતો.