ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગર ખસેડાયો : પોલીસ તપાસ શરૂ
ભાણવડના કબરકા ગામે જમીન બાબતે પુત્ર પર પિતા અને સાવકી માતા સહિતના ત્રણ શખ્સોએ હુમલો કરતા ચકચારી મચી છે. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હુમલાના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાણવડ તાબેના કબરકા ગામના વાડી વિસ્તારમાં રહેતા દેવશીભાઈ જગાભાઈ કરંગીયા નામના 36 વર્ષના યુવાન સોમવાર તા. 27 ના રોજ તેમના નાના પુત્ર પ્રિન્સ સાથે ટ્રેક્ટર વડે તેમના ખેતરમાં વાવણી કરી રહ્યા હતા. ત્યારે તેમના પિતા જગાભાઈ, સાવકી માતા અજાયબેન કરંગીયા સહિત ત્રણ શખ્સોએ અહીં આવી અને પિતા-પુત્ર વચ્ચે ચાલી રહેલા જમીનના ભાગ બાબતે ડખ્ખા સંદર્ભે ફરિયાદી દેવશીભાઈના પિતા જગાભાઈ કરંગીયાએ બોલાચાલી કરી હતી.
આ પ્રકરણમાં જગાભાઈ તેમજ સાવકી માતા અજાયબેન જગાભાઈ કરંગીયા તેમજ કાયદાથી સંઘર્ષિત એક કિશોરએ તેમના પર કુહાડા અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તેમને લાલપુરની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે બી.એન.એસ. તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ
ખંભાળિયા તાલુકાના ભીંડા ગામે રહેતા અંકિતગર ગોવિંદગર ગોસાઈ નામના 24 વર્ષના યુવાને કોઈ કારણોસર પોતાના હાથે ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા ગોવિંદગર નથુગર ગોસાઈ (ઉ.વ. 50) એ અહીંની પોલીસને કરી છે.
મુસાફર ભરવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો
દ્વારકા તાલુકાના મૂળવેલ ગામના રહીશ રામદેભાઈ નારણભાઈ મોરી નામના 27 વર્ષના રબારી યુવાન સાથે બેટ દ્વારકામાં આવેલા એક પાર્કિંગ વિસ્તારમાં રિક્ષામાં મુસાફરો ભરવા બાબતનો ખાર રાખી, મુકેશ સુમણીયા ઉર્ફે રામભાએ તેમની સાથે બોલાચાલી કરી, તેમને બિભત્સ ગાળો ભાંડી હતી. આટલું જ નહીં, આરોપીએ પોતાની પાસે રહેલી છરી વડે ફરિયાદી રામદેભાઈ મોરી ઉપર હુમલો કરી, ઇજાઓ પહોંચાડતા આ સમગ્ર બનાવ અંગે બેટ દ્વારકા પોલીસે આરોપી સામે બીએનએસ અને જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.