Jai Hind

હળવદના જૂના ઈશનપુરમાં નશાખોરનો પરિવાર સાથે ઝઘડો, બહેનને માર માર્યો

પિતાએ જ પોલીસમાં પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

હળવદ તાલુકાના જૂના ઇશનપુર ગામમાં દારૂના નશામાં યુવકે જાહેરમાં અશ્લીલ હરકતો કરી પરિવાર સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન બહેનને લાકડાના ધોકાથી માર મારતાં પિતાની ફરિયાદના આધારે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના જૂના ઇશનપુર ગામે રહેતા છનાભાઈ કાનાભાઈ મકવાણાની ફરિયાદ મુજબ તેમનો પુત્ર પરાક્રમ ઉર્ફે પ્રકાશ મકવાણા દારૂના નશામાં ઘર બહાર શેરીમાં બૂમાબૂમ કરી પરિવારજનો સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો. પિતાએ સમજાવવાનો પ્રયાસ કરતાં આરોપીએ જાહેરમાં અશ્લીલ હરકતો કરી અશ્લીલ શબ્દો બોલ્યા હતા. દરમિયાન બાજુમાં પડેલા લાકડાના ધોકાથી પોતાની બહેન જ્યોતિબેનને માર માર્યો હતો. સ્થાનિક લોકોની મદદથી આરોપી પરાક્રમ ઉર્ફે પ્રકાશને પકડી રાખી પોલીસ હવાલે કર્યો હતો.
વધુમાં, આરોપી પરાક્રમ ઉર્ફે પ્રકાશને દારૂ અને જુગારની લત હોવાનું તેમજ અવારનવાર પૈસાની માંગણી કરી ના પાડતા ઘરેણાં-વાહન વેચી નાખવાની તથા આપઘાત કરવાની ધમકી આપતો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. હાલ હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 296, 115(2), 351(1) તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.