હોટલ, રિસોર્ટ, ફાર્મ હાઉસના સંચાલકોની મળેલ બેઠકમાં દર સપ્તાહે સફાઈ અભિયાન ચલાવવા નિર્ણય
સાસણ ગીર હોટલ એસોસિયેશન દ્વારા ગીરના કુદરતી સૌંદર્યને જાળવી રાખવા અને પર્યાવરણના સંરક્ષણ, સ્વચ્છતા અને પ્રવાસનને વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી ગીર વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત કરવા દર અઠવાડિયે સફાઈ ઝુંબેશ કરવામાં આવશે.સાસણ ગીર વિસ્તારના હોટલ,રિસોર્ટ,ફાર્મ હાઉસ સંચાલકોની અગત્યની બેઠક મળી હતી.આ બેઠકમાં ગીરને સ્વચ્છ રાખવા સામુહિક સફાઈ ઝુંબેશ કરવા નિર્ણય કરવામાં આવેલ જેના અંતર્ગત તમામ હોટલ અને રિસોર્ટ સંચાલકો પોતાની સંસ્થાની બહાર આવેલા રોડ-રસ્તા,આસપાસના જંગલ વિસ્તાર તથા જાહેર સ્થળોએ પડેલા પ્લાસ્ટિક સહિતના કચરાને એકત્ર કરી ઘન કચરાનો સંપૂર્ણ નાશ કરશે..
સાસણ ગીર હોટલ એસોસિયેશનના પ્રમુખ વિનુભાઈ જીવાણીએ જણાવ્યું હતું કે સાસણ ગીર વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે.ગીરમાં દર વર્ષે લાખો દેશ-વિદેશના પ્રવાસીઓ સિંહ દર્શન અને કુદરતી સૌંદર્ય માણવા માટે આવે છે. ગીરની ઓળખ માત્ર એશિયાટિક સિંહોની સાથે.. સાથે.. સ્વચ્છતા અને હરિયાળીથી થાય છે માટે ગીરની સ્વચ્છતા જાળવવાની નૈતિક જવાબદારી હોટલ ઉદ્યોગ, સ્થાનિક લોકોની છે.પ્રવાસીઓ દ્વારા પ્લાસ્ટિકની બોટલો, ખાદ્ય પદાર્થોના રેપર અને અન્ય કચરો ફેંકવામાં આવતો હોવાથી જંગલ વિસ્તાર તથા પર્યાવરણને નુકસાન પહોંચે છે.આ પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને એસોસિયેશને દર અઠવાડિયે સ્વચ્છતા અભિયાન કરવા નિર્ણય લીધો છે.હોટલ અને રિસોર્ટ સંચાલકોએ બહારથી આવતા પ્રવાસીઓને પણ સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા અંગે જાગૃત કરશે.સાસણ ગીર એસોસિયેશને સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને પ્રવાસીઓએ જનહિતના આ અભિયાનમાં સહભાગી બની ગીરને સ્વચ્છ, હરિયાળું અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સહકાર આપવા પ્રમુખે અપીલ કરી છે.
ટુરિસ્ટોને ગ્લાસની બોટલમાં
પાણી આપવામાં આવશે
હોટલ એસોસિયેશન ની બેઠકમાં જંગલને પ્લાસ્ટિક મુક્ત રાખવા અગત્યનો નિર્ણય લેવાયો હતો જેનાં ભાગરૂપે દરેક હોટલ,રેસ્ટોરન્ટમાં આવતા ટુરીસ્ટો ને પ્લાસ્ટિક ની બોટલમાં પાણી આપવાને બદલે હોટલમાં આર.ઓ.ફીલ્ટર પ્લાન્ટ રાખી ગલાસની બોટલમાં પેકીંગ કરી પ્રવાસીઓને વિનામૂલ્યે પાણી આપવામાં આવશે.