રૂા.1.30 લાખના મુદ્દામાલની ચોરી થયાની અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ
હળવદ-સરા રોડ પર આવેલી સોપારીની દુકાનનું તાળું તોડી અજાણ્યા તસ્કરો રૂ.1.30 લાખની કિંમતની 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બા ચોરી ગયાના બનાવને લઈને વેપારીની ફરિયાદને આધારે હળવદ પોલીસે અજાણ્યા ચોર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના સલાટ ફળી ધ્રાંગધ્રા દરવાજા અંદર રહેતા અને સરા રોડ પર સાધના કોમ્પ્લેક્ષમાં “મયુર એસ. માણેક” નામે સોપારીનો વેપાર કરતા રામસંગ બહાદુરસંગ ઠાકુર ઉવ.38એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ 31 જુલાઈની રાત્રે દુકાન બંધ કર્યા બાદ બીજા દિવસે શનિવાર હોવાથી દુકાન બંધ રાખવામાં આવી હતી. દરમિયાન ભારે વરસાદ બાદ દુકાનમાં પાણી ભરાયું છે કે કેમ તે જોવા જતા શટરના તાળા તૂટેલા હોવાનું જોવા મળ્યું હતું.
જેથી દુકાનમાં તપાસ કરતાં અલગ અલગ માપની કોથળીઓમાં રાખેલ કુલ 230 કિલો સોપારી તેમજ બાગબાન તમાકુના 50 ડબ્બા મળી કુલ રૂ.1.30 લાખનો મુદ્દામાલ ચોરી થયેલો હોવાનું સામે આવ્યું હતું. હાલ હળવદ પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.