Jai Hind

માંગરોળમાં ગેરકાયદેસર રસ્તા અને પુલના નિરીક્ષણ દરમિયાન ધારાસભ્ય અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી

નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓની હાજરીમાં સ્થળ પર હંગામો; બોલાચાલીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

માંગરોળ પંથકમાં ગેરકાયદેસર રીતે નિર્માણ પામેલા રસ્તા અને પુલના પ્રશ્ને હાથ ધરવામાં આવેલા સ્થળ નિરીક્ષણ દરમિયાન નાયબ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા અને સ્થાનિક રહીશો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હોવાની સાથે તીખી બોલાચાલી થઈ હોવાનું તથા ધારાસભ્ય એ ગાળાગાળી કરી હોવાના ગંભીર આક્ષેપો ચર્ચામાં આવ્યા છે.
જાણવા મળેલ વિગતો મુજબ, માંગરોળ તાલુકાના જામવાડ ગામે ગેરકાયદેસર રસ્તા અને પુલના બાંધકામ અંગે મળેલી ફરિયાદોના આધારે વહીવટી તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ કામગીરી દરમિયાન ધારાસભ્ય, નાયબ કલેક્ટર તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે અરજદારો તથાસ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. અને વિવાદિત રસ્તા અને પુલના પ્રશ્ન અંગે ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન ધારાસભ્ય ભગવાનજીભાઈ કારગટીયાં પણ ઉગ્ર રીતે કઈ બોલ્યા હતા. જોતજોતામાં વાતાવરણ તંગ બની ગયું હતું અને ઉગ્ર બોલાચાલી થવા લાગી હતી.
જે અંગે સ્થાનિકોનો આરોપ છે કે, રસ્તાના પ્રશ્ન રજૂઆત કરતી વખતે ધારાસભ્ય ભાન ભૂલ્યા હતા અને અરજદારો સામે દાદાગીરી કરી અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ ઘટના બાદ માંગરોળ પંથકમાં રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ધારાસભ્ય બોલતા હોય તેવો વીડિયો વાયરલ
આ ઘટના અંગે સ્થાનિકોનો આરોપ છે કે, રસ્તાના પ્રશ્ન રજૂઆત કરતી વખતે ધારાસભ્ય ભાન ભૂલ્યા હતા અને અરજદારો સામે દાદાગીરી કરી અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્થાનિકો અને ધારાસભ્ય વચ્ચે ચકમક ઝરતી જોવા મળી રહી છે.
માંગરોળના ધારાસભ્યની સ્પષ્ટતા
સ્થાનિકોના આક્ષેપોની સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાદ ધારાસભ્ય ભગવાનજી કારગઠીયા એ તેમની સામે થયેલા દાદાગીરી કે અપશબ્દો બોલ્યાના આક્ષેપોને સંપૂર્ણપણે ફગાવી દેતાં જણાવ્યું હતું કે, મેં કોઈ ગાળાગાળીનો અયોગ્ય ઉપયોગ કર્યો નથી. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, ઘટના સ્થળે વહીવટી પ્રક્રિયા મુજબ જ તપાસની કામગીરી કરવામાં આવી હતી.