વરસાદ ખેંચાતા ખેતી, પશુપાલન અને પીવાના પાણીની સમસ્યા ગંભીર બની
કલ્યાણપુર તાલુકામાં વરસાદ ખેંચાતા ખેતી, પશુપાલન અને પીવાના પાણીની સમસ્યા ગંભીર બની છે. ત્યારે કલ્યાણપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચોમાસાની ઋતુમાં ખૂબ જ અપૂરતી માત્રામાં વરસાદ વરસ્યો છે. જેના કારણે જામ કલ્યાણપુર તાલુકામાં ખેતી, પશુપાલન અને પીવાના પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તાલુકા પંચાયત પ્રમુખ પુરીબેન બાબુભાઈ ગોજીયાની આગેવાની હેઠળ મામલતદારને આવેદનપત્ર પાઠવી સમગ્ર તાલુકાને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.
આવેદનમાં જણાવાયું છે કે, વરસાદના અભાવે ખેડૂતો દ્વારા કરાયેલ વાવેતર સુકાઈ જવાની સ્થિતિમાં પહોંચી ગયું છે. બિયારણ, ખાતર અને ખેતી પાછળ કરેલો ખર્ચ નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ વરસાદના અભાવે ભૂગર્ભ જળસ્તર પણ સતત નીચે જતાં અનેક ગામોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીની અછત ઊભી થઈ છે.
આ ઉપરાંત પશુઓ માટે લીલા તથા સૂકા ઘાસચારાની અછત સર્જાતા પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. પીવાના પાણીની સમસ્યાએ પશુધનના જતન સામે પણ પડકાર ઊભો કર્યો હોવાનું આવેદનમાં જણાવાયું છે. તાલુકા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનોએ વહીવટી તંત્રને રજૂઆત કરી છે કે સમગ્ર તાલુકાની વાસ્તવિક સ્થિતિનો તાત્કાલિક સરવે હાથ ધરી, કલ્યાણપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે. સાથે સાથે ખેડૂતોને પાક નુકસાનીનું વળતર, પશુપાલકોને ઘાસચારો તથા સરકારની અન્ય રાહત યોજનાઓનો લાભ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.