Jai Hind

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અમરેલીથી સોમનાથ-વેરાવળ અને જૂનાગઢ માટે રેલવે સેવા શરૂ કરો

છ માસ માટે બંધ કરાયેલ ટ્રેન બે વર્ષે પણ બંધ છે

યાત્રિકો, વેપારીઓ, વિદ્યાર્થીઓમાંથી ઉઠી માંગ

આગામી થોડા દિવસમાં જ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે. અને આ શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો સોમનાથ તથા ગરવા ગિરનારની યાત્રા કરતા હોય છે. ત્યારે છેલ્લા બે વર્ષથી બંધ પડેલી અમરેલી-વેરાવળ અને અમરેલી-જૂનાગઢ રેલવે સેવા તાત્કાલિક પુન: શરૂ કરવાની માંગ અમરેલી જિલ્લામાંથી જોર પકડી રહી છે. યાત્રિકો ઉપરાંત વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરો પણ રેલવે સેવા પુન: શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. અમરેલીથી વેરાવળ અને જૂનાગઢ વચ્ચે ગાયકવાડ સરકારના સમયથી ચાલતી ઐતિહાસિક રેલવે સેવા છેલ્લા બે વર્ષથી બંધ છે. બ્રોડગેજ રૂપાંતર અને અન્ય કામગીરીને કારણે આ સેવા માત્ર છ માસ માટે બંધ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું, પરંતુ તે કામગીરી પૂર્ણ થઇ શકે તેમ નથી. તેમ છતાં મીટર ગેજ ટ્રેન પણ આજદિન સુધી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી નથી. આગામી શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન માટે અમરેલી જિલ્લાથી હજારો ભાવિકો વેરાવળ-સોમનાથ તરફ જતા હોય છે. છતાં હાલમાં અમરેલીથી સોમનાથ-વેરાવળ સુધી સીધી બસ કે ટ્રેનની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે યાત્રાળુઓને અનેક વખત વાહન બદલવા પડે છે અને સમય તેમજ ખર્ચ બંનેમાં વધારો થાય છે.
અમરેલીથી વેરાવળ અને જૂનાગઢ વચ્ચે બ્રોડગેજ ટ્રેન સેવા તાત્કાલિક શરૂ કરવાની માંગ હવે સમગ્ર જિલ્લામાંથી ઉઠી રહી છે. વેપારીઓ, વિદ્યાર્થીઓ, દર્દીઓ તેમજ સામાન્ય મુસાફરો માટે તથા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પણ આ સેવા અત્યંત ઉપયોગી સાબિત થશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત હાલમાં ચલાલા સુધી મર્યાદિત ચાલતી જૂનાગઢ-ચલાલા પેસેન્જર ટ્રેનને અમરેલીપરા રેલવે સ્ટેશન સુધી લંબાવવાની પણ વ્યાપક માંગ કરવામાં આવી રહી છે. આમ કરવાથી અમરેલી જિલ્લાના હજારો મુસાફરોને સીધો રેલવે સંપર્ક મળશે અને યાત્રાધામ સોમનાથ સહિત જૂનાગઢ સુધીની મુસાફરી વધુ સરળ બનશે. તેમ જાગૃત નાગરિક પ્રવીણ ખાલપાડાએ જણાવ્યું હતું.