શંકાસ્પદ જથ્થો સીલ કરાયો : નમૂના લેબમાં મોકલાયા
મોરબીના રંગપર ગામ નજીક આવેલા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ અને ખેતીવાડી વિભાગના નિયામકની સંયુક્ત ટીમે દરોડો પાડી એક બંધ સિરામિક ફેક્ટરીમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલ યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ સ્થળ પરથી કુલ 804 યુરિયા ખાતરની બેગો મળી આવી છે.માહિતી અનુસાર, દરેક બેગમાં અંદાજે 45 કિલો યુરિયા ખાતર હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન અધિકારીઓએ ખાતરના નમૂનાઓ લઈને તેને એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત સમગ્ર જથ્થાને હાલ શંકાસ્પદ મુદામાલ તરીકે સીલ કરી દેવાયો છે તેમજ જે ફેક્ટરીમાંથી જથ્થો મળી આવ્યો તે ફેક્ટરીને પણ સીલ કરવામાં આવી છે.હાલ તપાસ એ દિશામાં ચાલી રહી છે કે આટલા મોટા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો બંધ સિરામિક ફેક્ટરીમાં શા માટે રાખવામાં આવ્યો હતો, તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો અને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો. સીઆઈડી ક્રાઈમ અને ખેતીવાડી નિયામક દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે તેમજ રિપોર્ટ આવ્યા બાદ જ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.