ભક્તિનગર પોલીસે 2.22 કરોડનો બ્રાસ સ્ક્રેપ સહિતનો મુદ્ામાલ કબ્જે કર્યો
ઢેબર રોડ પર આવેલ શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટ નામની પેઢીને જામનગર પહોંચાડવાનો રૂા.2.37 કરોડનો 25 ટન જેટલો બ્રાસ સ્ક્રેપનો માલ ઓળવી જનાર ડ્રાયવર મનોહરસિંગ કરણસિંગ, ક્લિનર પ્રતાપસિંગ સામે ફરિયાદ નોંધાતા ભક્તિનગર પોલીસે બંનેની ધરપકડ કરી 2.22 કરોડનો સ્ક્રેપનો મુદામાલ કબજે કર્યો છે.
હડમતાળા રહેતા ટ્રાન્સપોર્ટ પેઢીના મેનેજર, પૃથ્વીરાજસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, તેની ટ્રાન્સપોર્ટ પેઢીના માલિક નિતિનભાઈ રૂડકીવાલા દિલ્હી રહે છે. પેઢીની મેઈન ઓફિસ દિલ્હીમાં જ્યારે પેટા ઓફિસ અમદાવાદ, રાજકોટ અને જામનગરમાં છે. તેની પેઢી એક પાર્ટીનો માલ બીજી પાર્ટીને પહોંચાડવાનું કામ કરે છે. માલ પહોંચે ત્યાં સુધીની તમામ જવાબદારી તેની પેઢીની હોય છે ગઈ તા.31ના રોજ દિલ્હીની ઓફિસ ખાતેથી રાજસ્થાન પાસિંગના ટ્રકમાં 27 ટન બ્રાસ સ્ક્રેપનો માલ રાજકોટ મોકલાવાયો હતો. જેમાંથી બે ટન માલ રાજકોટની જુદી-જુદી પાર્ટીનો હોવાથી પેઢીની ઓફિસે તે માલ ઉતાર્યો હતો. બાકીનો 25 ટન માલ જામનગરની જુદી-જુદી 12 પેઢીનો હતો. જેથી તે માલ રાજકોટથી જામનગર રવાના કરાયા બાદ ત્યાં પહોંચ્યો ન હતો. ટ્રક ચાલક અને ક્લિનરને કોલ કરતા બંનેના મોબાઈલ ફોન બંધ આવતા હતા ગાડી ચેક કરતા તેમાંથી જામનગરની જે જે પાર્ટીનો માલ હતો તેની ફાઈલ મળી આવી હતી. આ રીતે ડ્રાઈવર અને ક્લિનરે કોઈપણ જગ્યાએ માલ ખાલી કરી સગેવગે કરી નાખતા બંને વિરુદ્ધ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પીઆઇ પરમાર સહિતે ગણતરીની કલાકોમાં બંને આરોપીઓને ઝડપી લઈ 2.22 કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે.