Jai Hind

બાબરા તાલુકાના ઘુઘરાળા ગામ પાસે બે હરણ વચ્ચે ખેલાયો ખરાખરીનો જંગ !

શાંત અને ગભરૂ ગણાતા હરણોનું યુદ્ધ થયું કેમેરામાં કેદ

સામાન્ય રીતે સિંહ, દીપડા કે આખલા જેવા પ્રાણીઓ વચ્ચેની લડાઈના દૃશ્યો જોવા મળતા હોય છે, પરંતુ બાબરા તાલુકાના ઘુઘરાળા નજીકના આંબલીધાર વિસ્તારમાં બે હરણ વચ્ચે જોરદાર ઇનફાઇટ જોવા મળતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. શાંત અને ગભરૂ સ્વભાવ માટે જાણીતા હરણો એકબીજા સાથે યુદ્ધ કરતા હોય તેવા અદભુત દૃશ્યો પ્રથમ વખત સામે આવ્યા છે.
ઘુઘરાળા નજીક આવેલા આંબલીધાર વિસ્તારના રોડ કાંઠે બે હરણ અચાનક સામસામે આવી ગયા હતા. ત્યારબાદ બંને હરણો વચ્ચે શિંગડા ભટકાવીને જોરદાર લડાઈ શરૂ થઈ હતી. એકબીજા પર હુમલો કરતા અને સામસામે ટક્કર લેતા હતા. આ હરણોના દૃશ્યો જોઈને માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ પણ થોડીવાર માટે થંભી ગયા હતા.
સામાન્ય રીતે હરણને શાંત અને ગભરૂ પ્રાણી તરીકે જોવામાં આવે છે, પરંતુ બે હરણ વચ્ચે થયેલી આ ઇનફાઇટમાં તેમનું અલગ જ સ્વરૂપ જોવા મળ્યું હતું. રોડ પરથી પસાર થતા કેટલાક રાહદારીઓએ હરણો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સમગ્ર દૃશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. હિંસક પ્રાણીઓ વચ્ચેની લડાઈના દૃશ્યો તો અવાર નવાર જોવા મળે છે, પરંતુ બે હરણ વચ્ચે આવી રીતે જોરદાર જંગ જોવા મળતા આ દૃશ્ય આસપાસના લોકો માટે પણ આશ્ચર્યજનક બન્યું હતું. હરણોની આ અનોખી ઇનફાઇટનો વીડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.