ગંદકીના કારણે જન આરોગ્ય સામે ખતરો
લીલીયાના મુખ્ય વેપારધામ સમાન નાવલી બજારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરના ગંદા પાણી અને રસ્તા પર પડેલા મોટા મોટા ખાડાઓની ગંભીર સમસ્યાને લઈને વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ મેદાને આવ્યો છે, જેના ભાગરૂપે લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ દેથલીયા, નીતિનભાઈ ત્રિવેદી, વિજયભાઈ કોગથીયા, ખોડાભાઈ માળવિયા, નીતિન ડુંગરિયા, અબ્દુલ શિરમાન સહિતના કોંગ્રેસ આગેવાનોએ નાવલી બજારની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
નાવલી બજારમાં ગટરના અને વરસાદી પાણી રસ્તા પર ફરી વળતાં સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજય સર્જાયું છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ તથા ગ્રાહકોના આરોગ્ય સામે મોટું જોખમ ઉભું થયું છે. આ ઉપરાંત, રસ્તાઓ પર પડેલા ઊંડા ખાડાઓને કારણે ચોમાસા દરમિયાન વાહનચાલકો, રાહદારીઓ અને બજારમાં ખરીદી અર્થે આવતાગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વેપારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને પગલે તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ દેથલીયાએ સ્થળ પર પહોંચીને વેપારીઓ સાથે મુકત મને ચર્ચા કરી હતી અને તેમની તમામ સમસ્યાઓ ઘ્યાનપૂર્વક સાંભળી હતી. વેપારીઓની હાલાકી જોઈ તેમણે તુરંત જ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હોવાની વાત કરી હતી. તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ દેથલીયાએ વેપારીઓ અને ગ્રામજનોને ખાતરી આપતા જણાવ્યું હતું કે, નાવલી બજારની ગટરની સમસ્યા અને બિસ્માર રસ્તાઓનું વહેલીતકે કાયમી નિવારણ લાવવામાં આવશે. તંત્ર દ્વારા આ કામગીરી સત્વરે હાથ ધરવામાં આવે તે માટે યોગ્ય કરવાની પણ ખાત્રી વેપારીઓને આપી હતી.