આજથી શ્રાવણ માસનો પ્રારંભ: શિવાલયો મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યાં

ભગવાન ભોળાનાથના મંદિરોમાં રંગબેરંગી રોશનીનો શણગાર : શિવાલયોમાં સર્જાશે ભક્તિનું ઘોડાપુર : સોમનાથ, નાગેશ્ર્વર, ઘેલા સોમનાથ, દ્રોણેશ્ર્વર મહાદેવ મંદિર સહિત દેવસ્થાનોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

શ્રાવણ માસનો આજથી શુભારંભ થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના શિવાલયોમાં હર હર ભોલે, મહાદેવ હરનો નાંદ ગુંજશે ભાવિકો દ્વારા શ્રાવણ માસ દરમિયાન મહાદેવના મંદિરોમાં સવારે રૂદ્રાભિષેક, બિલીપત્ર પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભગવાનનું ધ્યાન ધરવામાં આવશે. સૌરાષ્ટ્ર ભરના શિવાલયોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો છે. એક મહિનો લોકો ઉપવાસ-આરાધના કરશે.
રાજકોટ
રાજકોટમાં આવેલા પૌરાણિક કાશી વિશ્ર્વનાથ મંદિર, પંચનાથ મંદિર, રામનાથ મહાદેવ સહિતના નાના-મોટા શિવાલયોમાં શ્રાવણ માસ નિમિત્તે રોશનીનો શણગાર કરાયો હતો અને વિશેષ પૂજાનું આયોજન કરાયું છે.
જામનગર
જામનગરમાં શ્રાવણ માસ આરંભ થતા પહેલા શિવાલયો એ રૌશનીનો શણગાર ધારણ કર્યો છે. કે.વી.રોડ પર આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે મનોહર લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. ટાઉનહોલ નજીક ગૌરવ પથ ઉપર આવેલ જામધર્માદા ટ્રસ્ટ સંચાલિત પ્રાચીન શ્રી ભીડ ભંજન મહાદેવ મંદિરે પણ રૌશનીનો શણગાર કરવામાં આવતા તેની સુંદરતા અલૌકિક લાગી રહી છે. આ ઉપરાંત પણ નગરનાં વિવિધ શિવાલયોમાં ડેકોરેશન તથા સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન વિવિધ વિશેષ દર્શનોનાં આયોજન કરવામાં આવ્યા છે. શિવ ભક્તોમાં પણ શ્રાવણ માસને લઇને થનગનાટ જોવા મળી રહ્યો છે.
પ્રભાસપાટણ
સોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ દિવસે પર્ણ શ્રૃંગાર કરવામાં આવશે. તેમજ ધ્વજા પુજા અને 51 કુંડી મહામૃત્યુજય યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે.
જામ ખંભાળિયા
શ્રાવણ માસના પ્રારંભ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગ ધામમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો છે. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષ ગુંજી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવના દર્શન અને પૂજનનું વિશેષ મહત્ત્વ હોવાથી દેશના વિવિધ વિસ્તારોમાંથી ભાવિકો નાગેશ્વર ધામે પહોંચી રહ્યા છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં આઠમા જ્યોતિર્લિંગ તરીકે નાગેશ્વર મહાદેવને વિશેષ ધાર્મિક સ્થાન પ્રાપ્ત છે. દ્વારકાથી આશરે 16 કિમીના અંતરે આવેલા આ ધામમાં શ્રદ્ધાળુઓ જ્યોતિર્લિંગના દર્શન સાથે અભિષેક અને પૂજાવિધિ કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મંદિરની ભવ્યતા અને શાંત આધ્યાત્મિક વાતાવરણ ભક્તોને વિશેષ આકર્ષી રહ્યું છે.નાગેશ્વર મંદિરની સૌથી મોટી વિશેષતાઓમાંની એક તેની આશરે 85 ફૂટ ઊંચી વિરાટ શિવમૂર્તિ છે. ધ્યાનસ્થ મુદ્રામાં આવેલી આ વિશાળ પ્રતિમા દૂરથી જ નજરે પડે છે અને મંદિર પરિસરમાં આવતા શ્રદ્ધાળુઓ માટે ફોટોગ્રાફી તથા આસ્થાનું મુખ્ય કેન્દ્ર બની છે. શ્રાવણ દરમિયાન નાગેશ્વર ઉપરાંત ગોપી તળાવ, ગોપીનાથજી મંદિર, વલ્લભાચાર્યજીની બેઠક, રાધા-કૃષ્ણ મંદિર સહિત આસપાસના ધાર્મિક સ્થળોએ પણ ભાવિકોની અવરજવર વધી છે. આમ, જ્યોતિર્લિંગના દર્શન, ભવ્ય શિવમૂર્તિ અને આસપાસના ધાર્મિક સ્થળોના કારણે નાગેશ્વર ધામમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ
જૂનાગઢના શિવાલયોમાં શ્રાવણ માસના પ્રારંભે વિશેષ પૂજા-અર્ચના અને ધાર્મિક ઉત્સવ અને સામાજિક સેવાના કાર્યોની એક આગવી પરંપરા રહી છે સૌરાષ્ટ્રના ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર સમાન જૂનાગઢ શહેરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભને લઈને શિવભક્તોમાં અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજથી શરૂ થતા આ મહિમાવંતા મહિનાને લઈને ગિરનારની તળેટીથી લઈને શહેરના ખૂણે-ખૂણે આવેલા શિવાલયોને ફૂલો અને વિદ્યુત રોશનીથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે. શહેરના પ્રાચીન અને પ્રખ્યાત એવા ભવનાથ મહાદેવ મંદિર, ભૂતનાથ મંદિર, બિલનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, હાટકેશ્વર મહાદેવ મંદિર, હાટકેશ્વર મહાદેવ મંદિર, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, નંદનવન રોડ પર આવેલ આદિત્યેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં આજ પરોઢિયેથી વિશેષ રુદ્રાભિષેક, શૃંગાર અને મહાપૂજા, મહા આરતી સહિતના અનેક ધાર્મિક આયોજનો આખો માસ ચાલશે, બીજી બાજુ શિવ ભક્તો શ્રાવણના પ્રારંભે સવારથી જ દૂધ, જળ, બિલીપત્ર, આંકડા અને ધતુરાના ફૂલ, કમળના પુષ્પ, દૂર્વા,વિવિધ સામગ્રી ચડાવીને ભોળાનાથને રીઝવશે. જેના માટે દરેક મંદિરોમાં વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
શ્રાવણમાં સોમનાથ મંદિર દર સોમવારે વહેલી સવારે 4 વાગે ખુલશે
વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે 13મી ઓગષ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શ્રાવણ માસના દરેક સોમવારે સોમનાથ દાદાનું મંદિર વહેલી સવારે 4:00 વાગ્યે ખુલી જશે અને રાત્રે 10:00 વાગ્યા સુધી સતત દર્શન માટે ખુલ્લું રહેશે. પવિત્ર માસના પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્ટ તરફથી મંદિરના શિખર પર વિશેષ ધ્વારોહણ કરવામાં આવશે. આ ઉપરાંત શ્રાવણના ચારેય સોમવારે મંદિર પરિસરમાં શિવ પાલખીયાત્રા યોજાશે.શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવને પ્રત્યેક સંધ્યાએ વિવિધ દર્શનોના અલગ-અલગ મનોહર શણગાર કરવામાં આવશે, જેમાં મંદિરના સ્તંભોને રંગબેરંગી ફૂલોથી શોભાયમાન કરાશે તેમજ ઇલેક્ટ્રિક રોશનીથી મંદિર ઝળહળી ઉઠશે. 15મી ઓગસ્ટે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શિવભક્તિ અને રાષ્ટ્રભક્તિના સમન્વયરૂપ ત્રિરંગા શણગાર કરાશે. આ જ માસમાં આવતા જન્માષ્ટમીના તહેવાર પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ભાલકા મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. ભીડને પહોંચી વળવા માટે વધારાનો સ્ટાફ મેળવીને સેવાઓ શરૂ કરી દેવાઈ છે. દર્શાનાર્થીઓ માટે સૌથી મહત્વની બાબત એ છે કે ટ્રસ્ટ દ્વારા અપાતી વિનામૂલ્યે ભોજન પ્રસાદીમાં ભારે ગર્દી રહેતી હોવાથી ભોજનાલયની બાજુમાં જ વધારાની બેઠક વ્યવસ્થા સાથેનું નવું ભોજનપ્રસાદી ઘર કાર્યરત કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ