રાત્રીના ચાર પ્રહરની પુજા, રૂદ્રાભિષેક, અતિરૂદ્ર સહિતના કાર્યક્રમ યોજાશે
ભગવાન દ્વારકાધીશની પાવન નગરી દ્વારકામાં અનેક પૌરાણિક ધાર્મિક સ્થળો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે. શહેરના ઉત્તર સીમાડે, દ્વારકા રેલવે સ્ટેશન નજીક માયાસર તળાવના વિસ્તારમાં પ્રાચીન શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ તરફ જતા માર્ગ પર આવેલા આ મંદિરે શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોની વિશેષ અવરજવર જોવા મળે છે.
અહીંની માન્યતા મુજબ આ સ્થળે ભગવાન શિવે એક તપસ્વી સાધુને સાક્ષાત દર્શન આપી અહીં અલકાપુરી વસશે તેવું વચન આપ્યું હતું. ત્યારથી આ સ્થાન શિવભક્તોની શ્રદ્ધા સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે. મંદિર પરિસરમાં ભગવાન શિવ સાથે માતા પાર્વતી અને ગંગાજી પણ બિરાજમાન છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખાસ કરીને સોમવારના દિવસે અહીં ભક્તોની ભીડ ઉમટે છે. દ્વારકાવાસીઓ ઉપરાંત દેશ-વિદેશથી દ્વારકાધામની યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓ પણ ઋણમુક્તેશ્વર મહાદેવના દર્શન અને પૂજનનો લાભ લે છે. વર્ષોથી મંદિર ખાતે વિવિધ ધાર્મિક વિધિઓ યોજાતી આવી છે. રાત્રિના ચાર પ્રહરની મહાપૂજા, રુદ્રાભિષેક, અતિરુદ્ર સહિતના ધાર્મિક અનુષ્ઠાનોમાં શિવભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાય છે. શ્રદ્ધાળુઓની માન્યતા છે કે ઋણમુક્તેશ્વર મહાદેવના દર્શન અને આરાધનાથી જીવનના સંકટો દૂર થાય છે તથા ભગવાન શિવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન સાથે પ્રાચીન શિવાલયોની યાત્રા પણ ધાર્મિક પરંપરાનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. આવા પૌરાણિક સ્થળો દ્વારકાની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતને વધુ સમૃદ્ધ બનાવે છે. ઋણમાંથી મુક્તિ અને સુખ-સમૃદ્ધિની કામના સાથે ભક્તો અહીં મહાદેવના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવે છે.
