વંદે ભારત ટ્રેન શરૂ થવાના ચોવીસ કલાક પૂર્વે જ અમરેલીના સાંસદ દ્વારા ઓખા-હરદ્વાર સુપરફાસ્ટ ટ્રેનની જાહેરાત

ઓખા-હરદ્વાર સુપરફાસ્ટ ટ્રેનને વડિયા, કુંકાવાવ, ચિતલ અને લાઠી સ્ટેશને સ્ટોપેજ મળશે

અમરેલી નાગરિક સહકારી બેન્કની આજે મળેલ સાધારણ સભામાં અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ અમરેલી જિલ્લાને આગામી દિવસોમાં વધુ એક સુપરફાસ્ટ ટ્રેનની ભેટ મળવાની મહત્વપૂર્ણ જાહેરાત કરતાં ઉપસ્થિત હજારો નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ હતી. આ બેઠકમાં સાંસદ ભરતભાઈ સુતરીયાએ જાહેરાત કરી હતી કે, આગામી ટૂંક સમયમાં ઓખાથી હરદ્વાર વચ્ચે નવી સુપરફાસ્ટ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. આ ટ્રેનને અમરેલી જિલ્લાના વડિયા, કુંકાવાવ, ચિતલ અને લાઠી રેલવે સ્ટેશનો ઉપર સ્ટોપેજ આપવામાં આવશે. આ નવી ટ્રેન સેવા શરૂ થતાં અમરેલી જિલ્લાનું દેશના મહત્વપૂર્ણ શહેરો સાથે સીધું રેલવે જોડાણ વધુ મજબૂત બનશે. ખાસ કરીને ધાર્મિક નગરી હરદ્વાર ઉપરાંત રાજધાની દિલ્હી, જયપુર, અજમેર, મારવાડ, આબુ રોડ અને અમદાવાદ સહિતના શહેરો સાથે અમરેલી જિલ્લાના મુસાફરોને વધુ સરળ અને ઝડપી રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. અમરેલી જિલ્લામાં લાંબા સમયથી હરદ્વારની ટ્રેન સેવાઓ અને તથા અમરેલી જિલ્લાને લાભ મળે તે માટે સ્ટોપેજની માંગ ઉઠી રહી હતી. ત્યારે અમરેલીના સાંસદ દ્વારા ઓખા-હરદ્વાર સુપરફાસ્ટ નવી ટ્રેન શરૂ થવાની અને તે ટ્રેન ટ્રેનને અમરેલી જિલ્લામાં સ્ટોપેજ અંગે કરાયેલી જાહેરાતને સાધારણ સભામાં ઉપસ્થિત હજારો લોકોએ હર્ષભેર વધાવી લીધી હતી. અમરેલી નાગરિક સહકારી બેન્કની આજે મળેલ સાધારણ સભામાં રાજ્યના ઉર્જા, અને કાયદા મંત્રી કૌશિક વેકરીયા, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, અમરેલી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન પી.પી.સોજીત્રા, અમરેલી નાગરિક સહકારી બેન્કના ચેરમેન વનરાજભાઈ પટેલ, અમરેલી માર્કેટયાર્ડના ચેરમેન ભાવિન સોજીત્રા સહીત મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. એક તરફ વંદે ભારત ટ્રેનની શરૂઆત અને બીજી તરફ અમરેલી જિલ્લાના ચાર રેલવે સ્ટેશનોને નવી હરદ્વારની સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ મળવાની જાહેરાતથી અમરેલી જિલ્લાના રેલવે મુસાફરો માટે આગામી દિવસોમાં નવી સુવિધાઓનો માર્ગ ખુલ્યો છે.

રિલેટેડ ન્યૂઝ