નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જામનગર જિલ્લામાં રૂ. 15 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. કાલાવડ ખાતે રૂ. 10.24 કરોડના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન તાલુકા રમતગમત સંકુલનું લોકાર્પણ કરાયું હતું. ગાંધીનગર ખાતેથી ‘શક્તિદૂત 2.0’ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત કાલાવડ તાલુકામાં રમતવીરોની પ્રતિભાને ખીલવવા માટે રૂ. 10.24 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન તાલુકા રમતગમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સંકુલમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા માટે ઇન્ડોર અને આઉટડોર રમતોની શ્રેષ્ઠ સુવિધાઓ ઊભી કરાઈ છે. ઇન્ડોરમાં મલ્ટીપર્પઝ હોલ, જીમનેશિયમ, ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, બેડમિંટન કોર્ટ, શૂટિંગ રેન્જ અને ટેબલ ટેનિસ જેવી રમતો સાથે ચેન્જિંગ રૂમની વ્યવસ્થા છે. જ્યારે આઉટડોરમાં 200 મીટર એથ્લેટિક ટ્રેક તથા વિવિધ રમતોની વધારાની કોર્ટ બનાવવામાં આવી છે. આ ઉપરાંત વહીવટી બ્લોક, સ્ટાફ રૂમ, કેન્ટીન, ગેસ્ટ રૂમ સહિત વીજળી, પાણી, ડ્રેનેજ, પાર્કિંગ અને ફાયર સેફ્ટી જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે, જે કાલાવડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના યુવાનોને રાષ્ટ્રીય સ્તરે ચમકવા મજબૂત મંચ પૂરું પાડવામા આવી રહ્યું છે.
આ પ્રસંગે કાલાવડ નગરપાલિકા પ્રમુખ રંજનબેન રાખોલીયા, જિલ્લા રમત ગમત અધિકારી ભાવેશ રાવલિયા, જિલ્લા પુસ્તકાલયના ગ્રંથપાલ સુ પૂજા મદલાણી, મામલતદાર ભૌમિક ચોવટિયા, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર, સંસ્થાના ટ્રસ્ટી જમનભાઈ તારપરા તેમજ સ્થાનિક આગેવાનો સર્વ પી.ડી. જાડેજા, હસુભાઈ વોરા, અભિષેક પટવા તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
