ભાવનગરમાં નકલી દારૂ કાંડ બાદ પોલીસ તંત્ર એક્શનમાં રાજ્યમાં દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવવા ડીજીનો હુકમ

જૂના કેસના નાસતા ફરતા આરોપીઓની યાદી બનાવી તેમની તાત્કાલીક ધરપકડ કરવા આદેશ

ભાવનગરમાં તાજેતરમાં સામે આવેલા ચકચારી નકલી દારૂૂકાંડ બાદ રાજ્યનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ગુજરાતમાં દારૂૂબંધીના કડક અમલ માટે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક દ્વારા સમગ્ર રાજ્યમાં સઘન ’પ્રોહિબિશન ડ્રાઇવ’ યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂૂની પ્રવૃત્તિઓ પર પ્રહાર કરવાના સ્પષ્ટ નિર્દેશો તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડાઓને પાઠવવામાં આવ્યા છે. ડીજીપી જી.એસ. મલિકે આપેલા આદેશ અનુસાર, રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં દેશી તેમજ વિદેશી દારૂૂના સંગ્રહ, વેચાણ અને ઉત્પાદન થતું હોય તેવા સંભવિત સ્થળો પર તાત્કાલિક ધોરણે મહત્તમ દરોડા પાડવામાં આવશે. બૂટલેગરો અને અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉત્પન્ન થાય તે હેતુથી આ કામગીરીને અત્યંત ગંભીરતાથી લેવા જણાવાયું છે. ખાસ કરીને સરહદી વિસ્તારો, દરિયાઈ પટ્ટી અને શંકાસ્પદ ગોડાઉનો પર કરડી નજર રાખવા અપીલ કરાઈ છે. પ્રોહિબિશન કાયદાનો ભંગ કરનારાઓ સામે આક્રમક ઝુંબેશ ચલાવવા માટે માત્ર સ્થાનિક પોલીસ જ નહીં, પરંતુ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી,ક્રાઈમ બ્રાંચ જેવી વિશેષ તપાસ એજન્સીઓને પણ આ પ્રોહિબિશન ડ્રાઇવમાં સીધી રીતે જોડાવવા આદેશ કરવામાં આવ્યો છે. ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે આ એજન્સીઓ પોતાના નેટવર્ક અને બાતમીદારોનો ઉપયોગ કરીને દારૂૂના મોટો જથ્થો પકડવા કામગીરી કરશે.દારૂૂના ગુનાઓમાં ભૂતકાળમાં સંકળાયેલા હોય અને લાંબા સમયથી પોલીસ પકડથી દૂર ભાગતા ફરાર તડીપાર કે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પેરોલ ફર્લો સ્કોડ દ્વારા વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. આ પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન તમામ જૂના કેસોના ચોપડા ખોલીને નાસતા-ફરતા આરોપીઓની યાદી તૈયાર કરી તેમની તાત્કાલિક ધરપકડ કરવા માટેના કડક નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. ભાવનગરની ઘટના બાદ રાજ્ય સરકારે દારૂૂબંધીના કાયદાને વધુ મજબૂતીથી અમલમાં મૂકવા કમર કસી છે. રાજ્યના તમામ સ્ટેટ હાઇવે અને આંતરરાજ્ય સીમાઓ પર ચેકપોસ્ટ વધારી દેવામાં આવી છે. શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ડીજીપી જી.એસ. મલિકના આ કડક આદેશ બાદ સમગ્ર રાજ્યનું પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને આવનારા દિવસોમાં બૂટલેગરો સામે મોટા પાયે કાર્યવાહી જોવા મળી શકે છે.ડીજીપીના આદેશ બાદ ગુજરાતના તમામ પોલીસ અધિકારીઓએ તેમના તાબા હેઠળના સ્ટાફને દેશી અને વિદેશી દારૂૂના ધંધાર્થીઓ ઉપર દરોડા પાડવા સૂચન કર્યું છે.

નીલ રેડ થશે તો પોલીસ અધિકારીએ ખુલાસો આપવો પડશે
પોલીસ કામગીરીમાં પારદર્શિતા લાવવા અને બૂટલેગરો સામે પરિણામલક્ષી કાર્યવાહી થાય તે હેતુથી ડીજીપી જી.એસ.માલિક દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે, જો દરોડા દરમિયાન કાંઈ પણ પકડાય નહીં એટલે કે ’નીલ રેડ’ થશે, તો તે કિસ્સામાં સંબંધિત પોલીસ અધિકારી કે કર્મચારીએ ખુલાસો આપવો પડશે. દરોડો કેમ નિષ્ફળ ગયો, બાતમી ખોટી હતી કે પછી માહિતી લીક થઈ ગઈ હતી, કે કેમ ? તે તમામ કારણોની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે અને ક્ષતિ જણાશે તો જવાબદાર અધિકારી સામે કડક પગલાં લેવાશે. જો કોઈ અધિકારી કે કર્મચારીની બેદરકારી અથવા તો માહિતી લીક થવાના કારણે દરોડો નિષ્ફળ ગયો હોવાનું સામે આવશે, તો તેમની સામે પણ ખાતાકીય કાર્યવાહી કરવા પણ ડીજીપીએ હુકમ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ