જગતમંદિર કલાત્મક રોશનીથી ઝળહળ્યું
યાત્રાધામ દ્વારકામાં આગામી શુક્રવાર તા. 04 ના રોજ ભગવાન શ્રીકૃષ્ણના 5253 માં જન્મોત્સવની ભવ્ય ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તંત્ર દ્વારા જન્માષ્ટમી પર્વની વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ ઠાકોરજીના જન્મોત્સવના દર્શન અને ઉજવણી માટે ભાવિકોમાં પણ અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને દ્વારકાધીશ જગતમંદિરને આકર્ષક અને કલાત્મક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. રોશનીથી ઝળહળતા જગતમંદિરની ભવ્યતા દૂર સુધી નજરે પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રિલાયન્સના સહયોગથી મુંબઈના જેમિની ગ્રુપ દ્વારા જગતમંદિરને કલાત્મક રોશનીથી સજાવવામાં આવ્યું છે.
