સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે આવેલ ખડસલી લોકશાળા ગાંધી વિચાર, સમૂહ શિક્ષણ, નઈ તાલીમ અને પ્રાકૃતિક કૃષિના સમન્વય સાથે વિદ્યાર્થીઓને સ્વાશ્રયી અને સ્વાવલંબી બનાવતી એક માપ્રયમ તરીકે ઊભરી આવી છે. આ શાળામાં કાગળ પરના જ્ઞાન ઉપરાંત જીવન ઉપયોગી મૂલ્યોનું જતન અને સંવર્ધન કરવામાં આવે છે.
ધોરણ-9 માં કોઈ પણ લાગવગ વગર ‘વહેલા તે પહેલા’ના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. બક્ષીપંચ અને ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ર1,000 લવાજમ રાખવામાં આવ્યું છે, જેમાં ભોજન, કમ્પ્યુટર ફી, બે જોડી ગણવેશ અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. જયારે બી.સી. કેટેગરીના બાળકોની ફી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચૂકવાતી હોવાથી તેમના માટે આ શિક્ષણ નિ:શુલ્ક રહે છે.
કેમ્પસમાં જ આવેલી ગૌશાળાની ગીર ગાયોનું 400 ગ્રામ (બે ટાઈમ ર00-ર00 ગ્રામ) શુદ્ધ દૂધઅને સાત્વિક નાસ્તો-ભોજન બાળકોને પીરસવામાં આવે છે. કેમ્પસની વિશાળજમીનમાં જીવામૃત આધારિત પેસ્ટીસાઈડ-મુક્તત સજીવ ખેતી કરવામાં આવે છે. આંબાવાડી, ચીકુડી, દાડમી, જામફળ જેવા ફળવૃક્ષો અને શાકભાજીનું વાવેતર કરીને ઓર્ગેનિક ખોરાક પૂરો પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓ સ્વયં ઓર્ગેનિક ખેતીના પાઠ શીખી સમાજને સજીવ ખેતી તરફ વાળવા પ્રેરણારૂપ બને છે.
આ કેમ્પસમાં વેટરનરી સાયન્સનો 6 સેમેસ્ટરનો અભ્યાસક્રમ પણ ચલાવવામાં આવે છે. સંસ્થાના મંત્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, પ્રમુખ હિંમતભાઈ ગોડા અને આચાર્ય મકવાણા સાહેબના નેતૃત્વ હેઠળ સમગ્ર ટીમ નૈતિક મૂલ્યોનું સિંચન કરે છે.
