સરપંચ સહીત ચાર શખ્સો વિરૂધ્ધ ફરીયાદ, પોલીસ તપાસ જારી
કોટડા સાંગાણી તાલુકાના અરડોઈ ગામમાં સામાન્ય બાબતે દલિત યુવક પર એક પરિવારના ચાર સભ્યોએ લાકડીઓ વડે હુમલો કરી જાતિસૂચક અપશબ્દો આપી જ્ઞાતિપ્રત્યે હડધૂત કરતા કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ગામના જ વર્તમાન સરપંચ અને તેમના પરિવારના 4 સભ્યો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અરડોઈ ગામમાં રામાપીરના મંદિર પાસે રહેતા અને મજૂરી કામ કરતા 44 વર્ષીય રમેશભાઈ મેઘજીભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સરપંચ નરશીભાઈ ગજેરા, પ્રશાંત ઉર્ફે ભૂરો, દિવ્યેશ અને રસીલાબેન ગજેરાનું નામ આપવામાં આવ્યું છે. ફરિયાદ માં જણાવ્યા મુજબ, 29 ઓગસ્ટ 2026ના રોજ રાત્રિના આશરે સાડા આઠથી નવ વાગ્યાના સુમારે તેઓ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલી પાનની દુકાને ગયા હતા. જ્યાં દુકાન પાસે ઉભા રહીને તેઓ માવો બનાવી રહ્યા હતા ત્યારે અકસ્માતે તેમનો હાથ ગામના સરપંચના પુત્ર પ્રશાંત ઉર્ફે ભૂરા નરશીભાઈ ગજેરાને અડી ગયો હતો. આ સામાન્ય બાબતે ઉશ્ર્કેરાઈ જઈને આરોપી પ્રશાંત ઉર્ફે ભૂરાએ રમેશભાઈને જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપવાનું શરૂૂ કર્યું હતું. ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી વધુ ઉશ્ર્કેરાયો હતો અને રમેશભાઈને ત્યાં જ ઊભા રહેવાનું કહી ફોન કરીને પોતાના પરિવારને બોલાવ્યો હતો. થોડી જ વારમાં સરપંચ નરશીભાઈ ખોડાભાઈ ગજેરા, તેમનો બીજો પુત્ર દિવ્યેશ અને પત્ની રસીલાબેન ગજેરા લાકડીઓ સાથે ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. ત્યારબાદ ત્રણેય બાપ- દીકરાએ રમેશભાઈ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ ઘટના દરમિયાન આસપાસના સ્થાનિક લોકો તથા અનુસૂચિત જાતિના અન્ય સભ્યો વચ્ચે પડતાં ફરિયાદીનો વધુ મારથી બચાવ થયો હતો. ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલ, કોટડા સાંગાણી ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ફરિયાદીના નિવેદનના આધારે નરશીભાઈ ગજેરા, પ્રશાંત ઉર્ફે ભૂરો, દિવ્યેશ અને રસીલાબેન ગજેરા સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ આગળની તપાસ ડીવાયએસપી જીતા સાંકળચંદ પટેલને સોંપવામાં આવી છે.
