પોલીસે કોપર કેબલ, ટાટા આઈસર સહિતનો મૂદામાલ કબ્જે કર્યો
કલ્યાણપુર તાલુકાના ગાગા ગામ નજીક આવેલી એક ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાંથી થોડા દિવસો પૂર્વે કોઈ અજાણ્યા તસ્કરે આશરે 1000 મીટર જેટલા કોપર કેબલની ચોરી કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આને અનુલક્ષીને ભાટિયા ગામના રહીશ રામભાઈ ધરણાંતભાઈ ચાવડા (ઉ.વ. 26) ની ફરિયાદ પરથી રૂપિયા 1,65,000 ની કિંમતના કોપર કેબલની ચોરી થવા સબબ કલ્યાણપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી હતી.
આ પ્રકરણમાં કલ્યાણપુર પોલીસ મથકના પી.આઈ. આર.એન. હાથલીયાના વડપણ હેઠળ પી.એસ.આઈ. કે.પી. ઝાલા તથા કરસનભાઈ ચેતરીયા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઉપરોક્ત ચોરી પ્રકરણમાં સંડોવાયેલા મનોજ ઉર્ફે લાલો વલ્લભભાઈ ચોરાસી (રહે. ભાટીયા), જીતુ વલ્લભભાઈ ચોરાસી, રવી દેવજીભાઈ એદરીયા, દિલીપ વલ્લભભાઈ ચોરાસી, રમેશ અરજણભાઈ ચૌહાણ, નાથા હીરાભાઈ ચૌહાણ અને રાજુ કારાભાઈ રાઠોડ નામના સાત શખ્સોને ભાટીયા ગામ નજીકના બાયપાસ હાઈવે પાસેથી દબોચી લીધા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે ચોરીના કોપર કેબલ વાયર ઉપરાંત રૂપિયા 4 લાખની કંપનીનું ટાટા આઈસર વાહન, મોબાઈલ ફોન વિગેરે મળી, કુલ રૂ. 5,80,100 નો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી.
