વિરપુરના તુષાલ ચાવડાએ માસ્ટર ઓફ ફિઝિકલ એજયુકેશનમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે સન્માન

સૌરાષ્ટ્રના પવિત્ર યાત્રાધામ વીરપુર જલારામના વતની અને ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થી તૃષાલ ચાવડા માટે શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ગુજરાત વિદ્યાપીઠના માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન અભ્યાસક્રમમાં 8.54 ઈૠઙઅ સાથે ઉત્કૃષ્ટ પરિણામ મેળવવા બદલ તેમને ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ ગૌરવપૂર્ણ સન્માન તેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રાપ્ત થયું હતું.
ગુજરાત વિદ્યાપીઠના 72મા પદવીદાન સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિમાં તૃષાલ ચાવડાને ગોલ્ડ મેડલ એનાયત થતાં આ પ્રસંગ તેમના પરિવાર તેમજ વીરપુર પંથક માટે ગૌરવપૂર્ણ બની રહ્યો હતો.
અભ્યાસકાળ દરમિયાન તૃષાલ ચાવડા માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં પરંતુ રમતગમતમાં પણ સતત અગ્રેસર રહ્યા હતા. ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા ‘ખેલ ભારતી રમત ઉત્સવ’માં તેમણે રેસલિંગ (કુસ્તી) અને વેઇટ લિફ્ટિંગ જેવી કઠિન રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બંનેમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા હતા. જ્યારે જુડોની રમતમાં તેમણે રજત ચંદ્રક હાંસલ કર્યો હતો.
તેમની રમતગમત ક્ષેત્રની પ્રતિભાના કારણે તેઓ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી કક્ષાએ પણ પહોંચ્યા હતા. ચંડીગઢ ખાતે યોજાયેલી રેસલિંગ સ્પર્ધા તેમજ પંજાબના જલંધર ખાતે યોજાયેલી જુડો સ્પર્ધામાં તેમણે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત વિદ્યાપીઠનું પ્રતિનિધિત્વ કરી સંસ્થાનું નામ રોશન કર્યું હતું. ઉપરાંત, ગુજરાત વિદ્યાપીઠના શારીરિક શિક્ષણ વિભાગમાં વિદ્યાર્થી જનરલ સેક્રેટરી તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી હતી.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તૃષાલ ચાવડાએ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ તેમના માટે નવી જવાબદારી અને પ્રેરણાનું કારણ છે. ભવિષ્યમાં પોતાના જ્ઞાન, કૌશલ્ય અને રમતગમતની પ્રતિભાનો ઉપયોગ દેશના હિતમાં કરી રમતગમત ક્ષેત્રે સતત પ્રગતિ કરવાની તથા રાષ્ટ્રસેવામાં સમર્પિત રહેવાની તેમની દૃઢ ઇચ્છા છે. તૃષાલ ચાવડાની આ સિદ્ધિને પગલે વીરપુર પંથકમાં ગૌરવની લાગણી પ્રસરી છે. શિક્ષણ સાથે રમતગમત ક્ષેત્રે પણ ઉજ્જવળ સિદ્ધિ મેળવનાર તૃષાલ ચાવડાની સફળતા યુવા પેઢી માટે પ્રેરણારૂપ બની છે.

રિલેટેડ ન્યૂઝ