જૂનાગઢ યાર્ડમાં ખેડૂત વિભાગની 10 બેઠક પર 20 ઉમેદવાર વચ્ચે જંગ

પૂર્વ ચેરમેનના પુત્ર સહિત 6 ફોર્મ રદ થતા રાજકારણ ગરમાયું

જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનું રાજકારણ હવે ભાર ગરમાયું છે અને ચરમસીમાએ પહોંચી ગયું છે. કારણ કે, સતાધારી પક્ષ દ્વારા આ ચૂંટણી બિનહરીફ થાય તે માટે ભારે કવાયત કરી હતી, પરંતુ ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 26 ફોર્મ ભરાયા બાદ, 6 ફોર્મ રદ થતાં હવે 20 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. દરમિયાન આ ચૂંટણીમાં પૂર્વ ચેરમેન ભીખાભાઈ ગજેરાના પુત્રનું ફોર્મ રદ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ વખતની જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી ભારે રસાકસી અને ગરમાવા વાળી રહેશે, તેવું સહકારી ક્ષેત્રના પંડિતો જણાવી રહ્યા હતા, કારણ કે, સત્તાધારી જૂથ સત્તા ટકાવી રાખવા ઘણા સમય પૂર્વેથી કવાયત શરૂ કરી દીધી હતી, બીજી બાજુ વિરોધ પક્ષ અને નારાજ ખેડૂત આગેવાનોએ બોગસ મંડળીઓના આક્ષેપો સાથે બિનહરીફ ચૂંટણી ના થાય તે માટે મક્કમતા દાખવી હતી, અને અંતે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 26 ફોર્મ ભરાયા બાદ, 6 ફોર્મ રદ થતાં હવે 20 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ચૂંટણી પ્રક્રિયાના ફોર્મ ચકાસણીના દિવસે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વર્ષો સુધી દબદબો રહ્યો હતો તેવા યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ ગજેરાના પુત્ર હરસુખભાઈ સ્થાનિક ના હોય, જેથી ચૂંટણી અધિકારી દ્વારા તેમનું ફોર્મ રદ કરાતા રાજકારણ વધુ ગરમાયું છે. તે સાથે ખેડૂત ન હોવા છતાં રાબડિયા સુંદીપભાઈ શામજીભાઈ એ ખેડૂત વિભાગમાંથી ઉમેદવારી નોંધાવતા તેમનું ફોર્મ રદ કરાયું હતું. નાગાણી દિનેશભાઈ રામજીભાઈ બે ફોર્મ ભરેલા જેથી નિયમો મુજબ તેમનું એક ફોર્મ રદ થયું હતું. આ સાથે છેલ્લી ઘડીએ ટેકેદારોએ ટેકો પાછો ખેંચી લેતાં, ઘોણીયા મનસુખભાઈ નારણભાઈ અને ઝાલા રમેશભાઈ દેવાયતભાઈના ઉમેદવારી પત્રો રદ થયા હતા. જ્યારે ભીમાણી ભુપતભાઈ રવજીભાઈએ પોતે જ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું હતું.

પૂર્વ ચેરમેન કિરીટ પટેલ ડાયરેક્ટર તરીકે બિનહરીફ
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન તથા જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેનના કિરીટ પટેલ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં બિનહરીફ ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા જાહેર થયા છે.

રિલેટેડ ન્યૂઝ