અમરેલીના સાંસદ સુતરીયાએ બસને આપી લીલી ઝંડી
અમરેલી શહેરના મુસાફરોને ચિતલ રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનનો સરળતાથી લાભ મળી રહે તે માટે જયહિન્દના અખબારી અહેવાલ બાદ ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાની જાહેરાત રંગ લાવી હતી. અને અમરેલીથી ચિતલ રેલવે સ્ટેશન સુધી બસ સેવા શરૂ કરવામાં આવતા વંદે ભારતના મુસાફરોને મોટી સુવિધા મળી છે.
વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવાના કાર્યક્રમ દરમિયાન ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાએ અમરેલીથી ચિતલ રેલવે સ્ટેશન સુધી બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. મંત્રીની આ જાહેરાત બાદ અમરેલીથી ચિતલ રેલવે સ્ટેશન સુધીની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અમરેલીના સાંસદ શ્રી ભરત સુતરીયાએ બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અમરેલીથી ચિતલ સુધી બસ સેવા શરૂ થતાં શહેર તથા આસપાસના વિસ્તારના મુસાફરોને ચિતલ રેલવે સ્ટેશન સુધી પહોંચવામાં સરળતા રહેશે.
ખાસ કરીને વંદે ભારત ટ્રેનના સમયને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી આ બસ સેવા મુસાફરો માટે મહત્વપૂર્ણ સુવિધા બની રહેશે. અમરેલીના મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ કાર્યક્રમ દરમિયાન અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળીયા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
