જન્માષ્ટમી પૂર્વે જ વહીવટીતંત્ર સજ્જ બન્યું
આગામી શુક્રવાર તા. 4 ના રોજ ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે જન્માષ્ટમી મહોત્સવની ખૂબ જ ઉમંગભેર ઉજવણી કરવામાં આવનાર છે. દર વર્ષે જન્માષ્ટમીના પાવન પર્વે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ અંગે વિગતો આપતા જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું કે, ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવ એટલે જન્માષ્ટમી નિમિતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારતા હોય છે ત્યારે વહીવટી તંત્ર શ્રદ્ધાળુઓને આવકારવા સંપૂર્ણ સજ્જ છે. જન્માષ્ટમી પર્વે પધારતા શ્રદ્ધાળુઓ માટે વહી અતિ તંત્ર દ્વારા પીવાના પાણી, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, જરૂરી બેરીકેટિંગ સહિત તમામ આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. ઉપરાંત, જન્માષ્ટમી પાવન પર્વે અનુલક્ષીને જન્માષ્ટમી પૂર્વે જ દ્વારકાધીશ મંદિર સહિત અનેક સ્થળો રોશનીથી સુશોભિત કરવામાં આવે છે તેમજ સઘન સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તહેવારના સમય દરમ્યાન કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જળવાઈ તે માટે જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શ્રદ્ધાળુઓ જન્માષ્ટમી દિવસે ભગવાન દ્વારકાધીશ દર્શન સરળતા કરી શકે એલ.ઇ.ડી સ્ક્રીનની ગોઠવણી કરવામાં આવી છે. ઉપરાંત, દ્વારકા ખાતે પધારતા શ્રદ્ધાળુઓ માટે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શુક્રવારે રાત્રે 8 વાગ્યે દ્વારકામાં હાથી ગેટ પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેમાં ખ્યાતનામ કલાકારો ગીતાબેન રબારી તથા ભાવેશ આહિર લોકડાયરાની પ્રસ્તુતિ કરશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેમજ જન્માષ્ટમી પર્વે દ્વારકા પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
