હાથની આંગળીમાં દંશ માર્યો હોવા છતાં સ્નેક કેચરે હિંમતપૂર્વક સાપને પકડી સુરક્ષિત બરણીમાં પૂર્યો
તાલાલા તાલુકાનાં રમળેચી ગીર ગામે ઘરમાં ઘુસી ગયેલ સાપને પકડવા ગયેલા સ્નેક કેચરને આંગળીમાં સાપે દંશ મારતા સ્નેક કેચર ને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
તાલાલા તાલુકાનાં રમળેચી ગીર ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા ભુપતભાઈ ચુનારા નાં મકાનનાં રસોડામાં અત્યંત ઝેરી ગણાતો રસેલ વાઈપર પ્રજાતિનો સાપ જોવા મળતા પરિવારજનોએ સાપને પકડવા સ્નેક કેચર ઉમરભાઈ સોઢા ને તાલાલા થી બોલાવ્યા હતા.ઉમરભાઈ એ રસોડામાંથી સાપને પુંછડીએ થી પકડ્યો છતાં ઝેરી સાપે હાથની આંગળીમાં દંશ મારી દીધો હતો.દંશ માર્યો હોવા છતાં ઉમરભાઈ સોઢાએ હિંમતપૂર્વક રસેલ વાઈપર ઝેરી સાપને પકડી સુરક્ષિત બરણીમાં પૂરી દીધો હતો ત્યારબાદ સાપને સાથે લઈને તેઓ સારવાર માટે તાલાલા ની સરકારી હોસ્પિટલે પહોંચ્યા હતા જ્યાં ફરજ પરના તબીબ ડો.આશિષ માકડીયા તથા ડો. ભાવિક કુંભાણી એ તાત્કાલિક સારવાર આપી હતી.હાલ સ્નેક કેચરની સ્થિતિ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
