તહેવાર હોવાથી રોજીરોટી રળવા આવેલ યુવાન એમપી વતન જતા કાળ ભેટયો: પત્નિ, ત્રણ સંતાન નોંધારા બન્યા
પાટડી તાલુકાના માલવણ હાઈવે પર ચોકડી પાસે એક પરપ્રાંતિય યુવાનનું ટ્રકની અડફેટે મોત નીપજ્યું છે. રોડ ક્રોસ કરતી વખતે આ અકસ્માત થયો હતો. મૃતક યુવાન પોતાના સાથીઓ સાથે વતન જવા નીકળ્યો હતો. આ ઘટનાને પગલે તેની પત્ની અને ત્રણ બાળકો નોંધારા બન્યા છે.
મૃતક યુવાનની ઓળખ મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના પીપળીયા ગામના લાલાભાઇ મુનસિંહ ડામોર તરીકે થઈ છે. તેઓ હાલ અણીન્દ્રામાં કિશોરસિંહ ભીમભા રાઠોડની વાડીએ ખેતમજૂરી કરતા હતા.
લાલાભાઇ પોતાની પત્ની રેખાબેન, બે દીકરા અને એક દીકરી સાથે પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ પોતાના સગા રાકેશ ગલુભાઈ બારૈયા અને પ્રબલ પરતુભાઇ બીલવાલ સાથે વતન મધ્યપ્રદેશ જવા માટે અણીન્દ્રાથી માલવણ ચોકડી પર આવ્યા હતા. રાત્રે બસમાં વતન જવા માટે બસની રાહ જોતી વખતે તેઓ રોડ ક્રોસ કરીને માલવણ ગાયત્રી હોટલ તરફ જઈ રહ્યા હતા.
તે સમયે વિરમગામથી માલવણ તરફ પૂરઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. ટ્રક રોડ ક્રોસ કરી રહેલા લાલાભાઇ મુનસિંહ ડામોર સાથે અથડાઈ હતી. ટક્કર વાગતા લાલાભાઇ નીચે પટકાયા હતા અને ટ્રકના ટાયર તેમના પર ફરી વળતા ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ બજાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. આ દુર્ઘટનાને કારણે ગરીબ પરપ્રાંતિય મજૂર પરિવાર પર આફત આવી પડી છે, અને પત્ની તથા ત્રણ બાળકો નોંધારા બન્યા છે. મૃતક યુવાનની પત્ની રેખાબેન લાલાભાઇ ડામોરની ફરિયાદના આધારે બજાણા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના જે.એમ.વઢેર કરી રહ્યા છે.
