રાજુલા તાલુકાના નિગાળા-1 ગામે બનેલા ચકચારી હત્યા અને અપહરણના બનાવમાં આરોપી મહેશ ભાયાભાઈ સોલંકીને રાજુલા સેશન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવતા કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. નિગાળા-1 ગામે જીતુબેન ઉપર અર્ટિગા કાર ચઢાવી તેમનું મોત નિપજાવી હત્યા કરવામાં આવી હોવાના તેમજ ફરિયાદી ભાવેશભાઈનું અપહરણ કરી તેમની સાથે મારામારી કરવામાં આવી હોવાના આક્ષેપોને પગલે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો હતો.
આ સમગ્ર બનાવ અંગે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં હત્યા, અપહરણ, મારામારી, રાયોટિંગ સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ યોગેશ બાબુભાઈ મકવાણા સહિત કુલ 9 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ સહઆરોપી કાજલબેન તથા જ્યોતિબેનના જામીન મંજૂર થયા બાદ હવે આરોપી મહેશ ભાયાભાઈ સોલંકી તરફથી રાજુલા સેશન્સ કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી. જામીન અરજીની સુનાવણી દરમિયાન બંને પક્ષો દ્વારા કરવામાં આવેલી દલીલો તથા કેસના રેકર્ડ પર રહેલી હકીકતોને ધ્યાનમાં લઈ સેશન્સ જજે આરોપી મહેશ ભાયાભાઈ સોલંકીની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરી આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આરોપી મહેશ ભાયાભાઈ સોલંકી તરફે રાજુલાના સિનિયર એડવોકેટ કે. બી. કામળીયા દ્વારા અદાલત સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.
