આખીના રૂ.30 એસોસિયેશન દ્વારા ભાવ વધારાની અમલવારી શરૂ કરાઈ
રાજકોટવાસીઓ માટે ચા મોંઘી બની છે. ખાંડ સહિત ચા બનાવવામાં વપરાતા કાચા માલના ભાવ વધતા શહેરમાં આજથી ચાના ભાવમાં વધારો લાગુ કરવામાં આવ્યો છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટી હોટેલ એસોસિએશનના નિર્ણય મુજબ 1 સપ્ટેમ્બરથી અડધી ચાનો ભાવ રૂ. 13થી વધારીને રૂ. 15 અને આખી ચાનો ભાવ રૂ. 26થી વધારીને રૂ. 30 કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં અંદાજે 2,500થી 3,000 જેટલા નાનામો ટા ચાના થડા અને હોટેલો આવેલા છે. હોટેલ સંચાલકોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક મહિનામાં ચા બનાવવાના ખર્ચમાં સતત વધારો થયો છે. છેલ્લા ત્રણેક મહિનામાં ખાંડનો ભાવ પ્રતિ કિલો આશરે રૂ. 50થી વધીને રૂ. 75 સુધી પહોંચી ગયો છે. માત્ર ખાંડ જ નહીં, પરંતુ દૂધ, ચાની ભૂકી અને કોલસાના ભાવમાં પણ વધારો થયો છે. કાચા માલના વધેલા ખર્ચને ધ્યાનમાં રાખીને ટી હોટેલ એસોસિએશન દ્વારા ચાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે જો આગામી સમયમાં ચા બનાવવામાં વપરાતા કાચા માલના ભાવમાં વધુ વધારો થશે તો ચાના ભાવમાં પણ ફરી વધારો થવાની શક્યતા છે.
