વરસાદના અભાવે ખેડૂતો સંકટમાં મુકાયા : વીજબીલ, પાકધિરાણ માફ કરવા ખેડૂતોની માંગ
મેંદરડા પંથકમાં દોઢ મહિના પહેલાં વાવણીલાયક વરસાદ થતાં ધરતીપુત્રો એ મગફળી,સોયાબીન અડદ જેવા ખરીફ પાકોનું મોટાપાયે વાવેતર કર્યું હતું.શરૂઆતના સારા વરસાદથી સારા ઉત્પાદનની આશા બંધાઈ હતી, પરંતુ ત્યારબાદ લાંબા સમય સુધી વરસાદે હાથતાળી આપતા ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે.
ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ, ગુજરાત પ્રદેશ પ્રમુખ પરસોતમભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર,વરસાદના અભાવ ની સાથે સાથે પાકમાં ઈયળો અને ચૂસિયા પ્રકારની જીવાતનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.ખેડૂતોએ દેવુંકરી ને મોંઘી જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હોવા છતાં સૂકા હવામાન ને કારણે રોગ નિયંત્રણ માં આવ્યો નથી.
વરસાદ ન થવાથી ભૂગર્ભ જળસ્તર ખૂબ ઊંડે જતાં કૂવા અને બોર તળિયા ઝાટક થઈ ગયા છે, જેથી પાક ને પૂરતું પિયત આપવું અશક્ય બન્યું છે. પૂરતા પાણી અને હવામાનના અભાવે મગફળી તથા સોયાબીનના ઊભા પાક ખેતરોમાં જ સુકાઈ રહ્યા છે.
આર્થિક ફટકો:મોંઘા બિયારણ ખાતર, દવાઓનો ખર્ચ અને પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતો પરિવારનું ગુજરાન અને પશુધનની જાળવણીને લઈને ભારે ચિંતામાં મુકાયા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ અને સ્થાનિક ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક રાહત પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોને આર્થિક પાયમાલી માંથી ઉગારવા માટે ખેતીવાડીના વીજ બિલ સંપૂર્ણપણે માફ કરવા તથા પાક ધિરાણ માફી સહિતની વિશેષ આર્થિક સહાય જાહેર કરવા સરકારને અપીલ કરાઈ છે.
