હવે દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ રાજયના 108 તાલુકાના ગામડામાં જશે


ખંભાળીયામાં આપના ઈસુદાન ગઢવીએ પ્લાન-બીની જાહેરાત કરી; બીજી ઓકટોબરે ચલો ગાંધીનગરના નારા સાથે ગાંધીનગરમાં સત્યાગ્રહ થશે

દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં અપૂરતા વરસાદને કારણે દુષ્કાળની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આને અનુલક્ષીને ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતલક્ષી વિવિધ માંગણીઓ સાથે છેલ્લા પાંચ દિવસથી દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ” આંદોલન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા ઈશુદાન ગઢવીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ જે પાંચ દિવસથી ચાલે છે, તે મુદ્દે આગળ અમે આજે પ્લાન બી જાહેર કરવા જઈ રહ્યા છીએ. હવે આ સત્યાગ્રહ 108 અછતગ્રસ્ત તાલુકાઓના સેંકડો ગામોમાં જશે, અમારી 108 ટીમ બની છે અને તાલુકાની 100 લોકોની ટીમ છે, અને સાથે સાથે ગામની પણ અલગ ટીમ બનશે. ગામની ટીમ ગામમાં સત્યાગ્રહ કરશે કારણ કે તે કહેતા હતા કે તમે ગામમાં આવો. અમને લોકો સાબરકાંઠા, કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં બોલાવી રહ્યા છે તો અમારી ટીમો ત્યાં જશે. આ દરેક મિટિંગમાં અમારી ટીમો ખેડૂતની દુષ્કાળની અરજી ભરાવીશું.
તા. 1 ઓક્ટોબર સુધી આ અરજીઓ ભરાવીશું અને બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના દિવસે ગાંધીનગરમાં “ચાલો ગાંધીનગર” નારા સાથે સત્યાગ્રહ થશે. ત્યારબાદ ખેડૂતોએ કરેલી લાખો સહીઓનું પોટલું સરકાર સમક્ષ રજૂ કરાશે. અમે સરકારને કહીશું કે “આ લાખો ખેડૂતોની અને પશુપાલકોની અરજીઓ છે તો એને તમે યોગ્ય ન્યાય અને વળતર આપો.” તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અમારા આગેવાનો તમામ લોકો ગામડાઓમાં જશે, મીટીંગો કરશે અને હું પણ લગભગ તમામ અછતગ્રસ્ત જિલ્લાઓમાં પહોંચીશ. સરકાર એવા પણ નાટક કરે છે કે સેટેલાઈટ સર્વે કરશે, આ સર્વે કરશે, તે સર્વે કરશે ત્યારે અમે આ બતાવીશું કે ખેડૂતોએ પહેલેથી જ ફોર્મ ભરેલા છે અને જે ખેડૂતોએ ફોર્મ ભર્યું હશે એને રાહત મળે એ આપણા સૌની ફરજ છે. એટલે અમે સરકાર સમક્ષ લાખો ફોર્મ મૂકીને અમારી રજૂઆત મુકીશું. ખેડૂતોના ખાતામાં જ્યાં સુધી સહાયની રકમ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. પ્લાન બી પછી પણ અમે સરકારને અલ્ટીમેટમ આપીશું અને સરકાર દુષ્કાળ જાહેર નહીં કરે તો પછી અમે પ્લાન સી જાહેર કરીશું.

રિલેટેડ ન્યૂઝ